અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી શનિ અને રવિવાર-તા. ૨૨, ૨૩ નવેમ્બરના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું પુન: આયોજન કરવામાં આવનાર છે.

ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) પ્રગતિમાં છે. જે અંતર્ગત, હાલ મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લાના ૨૧ વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે
આ માટે અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો આ કેમ્પનો લાભ લઈ શકશે. શહેર-જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમાર દ્વારા અનુરોધ કરાયો છે.

