અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. આ ધમકીભર્યા મેલમાં લખ્યું કે, ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો’

વહેલી સવારે આવ્યો ધમકીભર્યો ઈમેલ
મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા.
DPS સ્કૂલ દ્વારા વાલીને સંમતિ ફોર્મ ભરાવ્યા
બોપલમાં આવેલી DPS સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તમારા બાળકને લઈ જાવ. આ પછી વાલીઓ અહીં પહોંચતા સંમતિ ફોર્મ ભરવામાં આવ્યું હતું અને વાલીઓ અહીં હેરાન થયા હતા. બોમ્બ મળ્યાની ધમકી હોવા છતાં આ રીતની કાર્યવાહીથી વાલીઓ પણ પેનિકમાં આવી ગયા હતા.

ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંને સ્કૂલ પર પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલના ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

