અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઈન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની બસને આજે વહેલી સવારે કમકમાટીભર્યો અકસ્માત નડ્યો છે. અવંતિકા હોટલ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 17 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ મુસાફરોને લઈને ઈન્દોરથી અમદાવાદ આવી રહી હતી. માર્ગમાં અવંતિકા હોટલ નજીક જ્યારે બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને દુર સુધી ઘસડાઈ હતી.
મુસાફરોમાં મચી ચીસાચીસ
અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરો સીટ પરથી ફંગોળાઈ ગયા હતા. બસ પલટી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 1 મુસાફરનું મોત નીપજ્યું હતું, જુસ્સ્ત્ર 17 મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા કામગીરી
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી છે.

