TOP NEWS : ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં રમતા-રમતાં કૂવામાં ખાબકતાં બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત, ગામમાં અરેરાટી

0
11
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘરની નજીક રમી રહેલા બે માસૂમ ભાઈ-બહેન અચાનક લાપતા થયા બાદ તેમના મૃતદેહ પાસેના જ એક ખુલ્લા કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તંત્રની બેદરકારી અને ખુલ્લા કૂવાઓએ બે નિર્દોષ જીવ હોમી લેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગઈકાલ સાંજથી ગુમ હતા માસૂમો

મળતી માહિતી અનુસાર, ઝરીબુઝર્ગ ગામમાં રહેતા પરિવારના બે સંતાનો, પાંચ વર્ષીય રોનક અને ત્રણ વર્ષીય આરાધના સોમવાર (24મી ફેબ્રુઆરી) સાંજથી ઘર આંગણે રમતા-રમતા અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારે આખી રાત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો કોઈ પત્તો મળ્યો ન હતો. આજે (24મી ફેબ્રુઆરી) સવારે ઘર નજીક આવેલા એક ખુલ્લા કૂવામાં બાળકીનો મૃતદેહ તરતો જોવા મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કૂવામાં પાણી વધુ હોવાથી તાત્કાલિક મશીન મંગાવી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કૂવાનું પાણી ખાલી થતા જ રોનક અને આરાધના બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને માસૂમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તંત્રની બેદરકારી સામે રોષ

આ ઘટનાએ ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પંથકમાં અનેક ખેતરો અને ઘર પાસે આવા અસુરક્ષિત અને ખુલ્લા કૂવાઓ આવેલા છે, જે સતત જોખમ ઊભું કરે છે. વારંવારની રજૂઆતો છતાં જોખમી કૂવાઓ પર સુરક્ષા કવચ કે ફેન્સિંગ કરવામાં આવતી નથી. બે ફૂલ જેવા બાળકોના મોત બાદ હવે શું તંત્ર જાગશે? તેવો વેધક સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે.

રમત-રમતમાં કાળનો કોળિયો બનેલા આ બે માસૂમ ભાઈ-બહેનના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. પંથકના લોકો હવે માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક સર્વે કરી આવા તમામ જોખમી કૂવાઓને સુરક્ષિત કરે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારનો ચિરાગ ન બુઝાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here