અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડનની મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું હતું. મંગળવારે (16મી ડિસેમ્બર) જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે કાર ચલાવીને વડાપ્રધાન મોદીને જૉર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.

જૉર્ડનમાં PM મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર, બંને દેશો વચ્ચે 5 કરાર
વડાપ્રધાન મોદીએ અહીં ભારત-જૉર્ડન બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે સુધારેલા શાસન અને નવીનતા આધારિત નીતિઓના પરિણામ સ્વરૂપે ભારતનો વિકાસ દર 8%થી વધુ હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 5 મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બંને દેશો વચ્ચેના 5 મુખ્ય કરારો
•નવા અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ટેકનિકલ સહયોગ.
•જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસ સેક્ટરમાં સહયોગ.
•પેટ્રા અને એલોરા વચ્ચે ટ્વીનિંગ કરાર.
•વર્ષ 2025-2029 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું રિન્યુઅલ.
•ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે અમલમાં મુકાયેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સની વહેંચણીના સેક્ટરમાં સહયોગ અંગે લેટર ઑફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર.

વડાપ્રધાન મોદીએ જૉર્ડનના રોકાણકારોને સંબોધતા કહ્યું કે, ‘આજે વિશ્વને એક નવા વિકાસ એન્જિન અને વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂર છે. ભારત અને જૉર્ડન સાથે મળીને આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.’

