TOP NEWS : દિલ્હી-ચેન્નાઈ ટ્રેનના એક કોચમાં ભયાનક આગ લાગતા અફરાતફરી, જીવ બચાવવા કૂદીને ભાગ્યા મુસાફરો

0
20
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી-ચેન્નાઈ ટ્રેનના એક કોચમાં ભયાનક આગ લાગતા અફરાતફરી મચી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં રેલવેની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈને તુરંત આગ પર કાબુ મેળવી લીધો છે. રિપોર્ટ મુજબ જીટી એક્સપ્રેસ નવી દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી. રાહતની વાત એ છે કે, આગની ઘટનામાં કોઈપણ જીવ જોખમમાં મુકાયો નથી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે ટ્રેનના એક કોચમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. રેલવેના અધિકારીઓએ કહ્યું કે, ટ્રેન નંબર 12616 નવી દિલ્હીથી ચેન્નાઈના તાંબરમ જઈ રહી હતી. તે નાગપુરથી ઉપડીને વર્ધા જિલ્લાના સિંધી રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી, ત્યારે સવારે 11.9 મિનિટે ટ્રેનના છેલ્લા કોચમાં અચાનક ધુમાડો દેખાયો હતો. આગ ટ્રેનના છેલ્લા SLR કોચમાં લાગી હતી.

તાત્કાલીક ટ્રેન અટકાવીને કોચ અલગ કરાયો

મધ્ય રેલવેના પ્રવક્તા સંજય મુલેએ કહ્યું કે, આગની જાણ થતાં જ ટ્રેનને તાત્કાલીક સિંધી-તુલજાપુર સેક્શન પર અટકાવી દેવાઈ હતી. ત્યારબાદ સુરક્ષાને ધ્યાને રાખીને આગની ઝપટે આવેલા કોચને ટ્રેનથી અલગ કરી દેવાયો હતો. આ સાતે ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવાઈ હતી.

તમામ મુસાફરો સુરક્ષિત

રેલવે તંત્રએ કહ્યું કે, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને આગની ઝપેટમાં આવેલા કોચને તાત્કાલીક સુરક્ષિત રીતે ટ્રેનથી દુર કરી દેવાયો છે. હાલ ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી, તેની તપાસ ચાલી રહી છે. આ ઘટનાના કારણે નાગપુર-સેવાગ્રામ રેલવે લાઈન બંધ કરી દેવાઈ હતી, જેના કારણે કેટલીક ટ્રેનોમાં વિલંબ થયો હતો. હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને નવી દિલ્હી-ચેન્નાઈની ટ્રેનને રવાના કરી દેવાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here