અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તર પ્રદેશમાં ઠંડક અને ગાઢ ધુમ્મસના વાતાવરણમાં યમુના એક્સપ્રેસ વે પર મંગળવારની પરોઢ ભારે ગોઝારી નીવડી હતી. અત્યંત ખરાબ વિઝિબિલિટીને પગલે આગરાથી નોઈડા તરફના રસ્તે વહેલી સવારે ૪.૩૦ કલાકે માત્ર ૨૦ મિનિટમાં સમયમાં એક પછી એક આઠ બસો અને ત્રણ નાના વાહનોનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ૧૩ લોકોનાં સળગી જવાથી મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય ૩૩ લોકોને ઈજા પહોંચી હતી. આ સિવાય ઉત્તર પ્રદેશમાં જ ગાઢ ધુમ્મસના કારણે અન્ય કેટલાક સ્થળો પર પણ અકસ્માતો સર્જાયા હતા, જેથી મંગળવારે એક જ દિવસમાં કુલ ૨૫નાં મોત નીપજ્યાં હતા અને ૫૯ લોકો ઘાયલ થયા હતા.

ઉત્તર પ્રદેશના મથુરાના બળદેવ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક અકસ્માતમાં લગભગ ૬ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આજુબાજુના નવ પોલીસ સ્ટેશનો પરથી પોલીસ કર્મચારીઓ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફના ૫૦ જવાનોએ મળીને બચાવ અભિયાન ચલાવ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે માત્ર ૨૦ મિનિટમાં આઠ બસો અને ત્રણ વાહનો એક પછી એક અથડાતાં સળગી ઊઠયા હતા. બસોની અંદર સળગેલી હાલતમાં અને કપાયેલા માનવ અંગો મળ્યા હતા. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ બાબત પરથી લાગી શકે છે કે મૃતકોના અવશેષો લગભગ ૧૭ થેલીઓમાં ભરીને પોસ્ટમોર્ટમ હાઉસમાં લવાયા હતા. મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ મારફત કરાશે. પોસ્ટમોર્ટમની તપાસ અને ડીએનએ સેમ્પલિંગ માટે ડોક્ટરોની બે ટીમ બનાવવામાં આવી છે.

અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ત્રણ કિ.મી. લાંબો જામ થઈ ગયો હતો. અકસ્માતનું કારણ જાણવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (એડમિનિસ્ટ્રેશન) અમરેશ કુમારના નેતૃત્વમાં ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ બે દિવસમાં તેનો રિપોર્ટ રજૂ કરશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા એક્સપ્રેસ વેના અકસ્માતને ધ્યાનમાં લેતાં મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું અધિકારીઓને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરાવવાનો નિર્દેશ અપાયો છે. તેમની સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં મથુરા ઉપરાંત બારાબંકી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર હૈદરગઢ કોટવાલી વિસ્તારમાં સરિયા ગામ નજીક ગાઢ ધુમ્મસ વચ્ચે તિવ્ર ગતિએ દોડતી મારુતિ અર્ટિગા મહિન્દ્રા સ્કોર્પિયો સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બેનાં મોત નીપજ્યાં હતા અને ત્રણને ઈજા પહોંચી હતી.
અન્ય એક અકસ્માતમાં બસ્તિ જિલ્લામાં સોમવારે સવારે હરદિયા ઈન્ટરસેક્શન નજીક બસ્તિ-લુમ્બિની માર્ગ પર ઉર્સના શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ ટ્રક સાથે અથડાતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૧૧ને ગંભીર ઈજા થઈ હતી. ઉન્નાવ જિલ્લામાં અન્ય એક અકસ્માતમાં એક એસયુવી રોડ ડિવાઈડર સાથે અથડાતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મેરઠમાં ધુમ્મસના કારણે એક કાર પુલ પરથી હિન્ડોન નદીમાં ખાબકતા એક પોલીસ કર્મચારી સહિત બે લોકોની મોત નીપજ્યાં હતા અને બે લોકોને ઈજા થઈ હતી.
દરમિયાન દિલ્હીમાં મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા એરપોર્ટ પર ૧૩૧ ફ્લાઈટ રદ કરવી પડી હતી. દિલ્હીમાં હાલ ફ્લાઈટ કટોકટીનો સામનો કરી રહેલી ઈન્ડિગોએ ખરાબ હવામાનના કારણે ૧૧૩ ફ્લાઈટ રદ કરી હતી. ઉપરાંત એરલાઈને બુધવારે પણ ૪૨ ફ્લાઈટ ઓપરેટ નહીં કરવાની જાહેરાત કરી હતી.

