અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજકોટ શહેરના ગીચ વિસ્તાર ગણાતા દિવાનપરા વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. દિવાનપરા સ્થિત મોનાર્ક કોમ્પ્લેક્ષના પાંચમા માળે ભીષણ આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગીચ વિસ્તાર હોવાના કારણે અને બિલ્ડીંગની ઊંચાઈને લીધે આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં મુશ્કેલીઓ પડી હતી.

આ દુકાનમાં આગ લાગી ત્યારે કુલ 10 જેટલા લોકો હાજર હતા. આગની આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે એસી.પી બી.જે ચૌધરીએ પણ નિવેદન આપીને પરિસ્થિતિની માહિતી આપી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અને મૃતક તેમજ ઈજાગ્રસ્તની ઓળખ માટે આગળની તપાસ ચાલી રહી છે.

