ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. આજે (24મી ઓગસ્ટ) સરખેજ, મકરબા, પ્રહલાદનગર, શ્યામલ, સેટેલાઈટ, ઈસ્કોન, જોધપુર ચાર રસ્તા, એસ.જી હાઇવે અને ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે.
સાબરમતીમાં પાણી છોડાયું
ભારે વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ,
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.
આજે ભારે વરસાદનું રેડ ઍલર્ટ
હવામાન વિભાગ અનુસાર, રવિવારે (24મી ઓગસ્ટ) ભારેથી અતિ ભારે વરસાદ માટે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


