ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકાનાં ગુંદિયા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ખેતરમાં લગાવેલા વીજળીનાં તારને અડકવાથી એક મહિલા અને એક ગ્રામ રક્ષક દળ(GRD)નાં જવાનનું કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુંદિયા ગામની સીમમાં રામસિંગ વિરિયાભાઈ વસાવા નામનાં ખેડૂતે પોતાના શેરડીનાં ખેતરને જંગલી પશુઓથી બચાવવા માટે તારની વાડમાં વીજળીનો પ્રવાહ છોડ્યો હતો. ગત 3 ઓગસ્ટની રાત્રે અને 4 ઓગસ્ટની સવાર વચ્ચે, ગામનાં સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી ગયા હતાં, જેનાં કારણે તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. બંનેનાં ઘટના સ્થળે જ મોત થયા હતાં.
મૃતક પ્રવીણ વસાવા વાલીયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળ (GRD)માં ફરજ બજાવતા હતા. તેમના આકસ્મિક અવસાનથી GRD જવાનોમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ છે.
ઘટનાની જાણ થતાં વાલીયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાં વીજળીનાં ચારનાં ઉપયોગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
REPOTER : મનિષ કંસારા


