ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના બસ સ્ટેન્ડ પર ગઈકાલે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ભારે પવન ફૂંકાવાને કારણે બસ સ્ટેન્ડ પાસે આવેલું એક જૂનું અને વિશાળ વૃક્ષ અચાનક તૂટી પડ્યું હતું. સદનસીબે, આ ઘટના સમયે બસ સ્ટેન્ડ પર કોઈ મુસાફરો હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
વૃક્ષ પડવાને કારણે બસ સ્ટેન્ડની નજીક આવેલી નાસ્તાની બે દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દુકાનો વૃક્ષ નીચે દબાઈ જતાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઇલાવનું આ બસ સ્ટેન્ડ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ અંગે અગાઉ પણ ગ્રામજનો દ્વારા એસ.ટી. નિગમમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઘટના બાદ ગામના લોકોએ બસ સ્ટેન્ડનું તાત્કાલિક ધોરણે સમારકામ અથવા નવીનીકરણ કરવાની માંગ ફરી એકવાર ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતને ટાળી શકાય.



