સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે. વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે. બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ – સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઉ ૧૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાઉ રોપાઓનું વાવેતર કરીએ. આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાઉ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું. અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના ફળાઉ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું છે. વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે પર ત્રણ કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તથા વરસાદ માટે અને પશુ – પક્ષી, મનુષ્ય સહિત જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે. વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે. સૌ કોઈએ જાગૃત બનીને આવનાર પેઢીના રક્ષણ માટે આપણે આજે વૃક્ષોના રોપાઓનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મિલાવી શકે છે તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી, થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી ૧૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે. આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોકભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.



