અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ સંભાળતા જ ટેરિફને હથિયાર બનાવી દુનિયાના બધા જ દેશોને દબાવવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટી શરૂ કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો હતો. ટ્રમ્પના આ નિર્ણયોને કોર્ટમાં પડકારાયા હતા ત્યારે હવે ટ્રમ્પને એક જ દિવસમાં કોર્ટ તરફથી બે મોટા ફટકા પડયા છે. વિદેશી વસ્તુઓ પર મનસ્વી રીતે ટેરિફ લગાવવાના પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ફગાવી દીધો છે. આ સાથે અન્ય એક ફેડરલ જજે ગેરકાયદે વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટીના ટ્રમ્પના નિર્ણયનો અમલ અટકાવી દીધો છે.
વિદેશી ઉત્પાદનો પર જંગી ટેરિફ નાંખવાના પ્રમુખ ટ્રમ્પના આપખુદ નિર્ણયના અમલમાં અવરોધો ઊભા કરતાં ફેડરલ અપીલ્સ કોર્ટે જણાવ્યું કે, પ્રમુખ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને બાજુ પર હડસેલી દઈને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ફેડરલ સર્કિટ ફોર યુએસ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું કે, દુનિયાના લગભગ બધા જ દેશો પર જંગી ટેરિફ નાંખવાના નિર્ણયને ન્યાયિક ઠેરવવા માટે ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી લાદી હતી. આ રીતે પ્રમુખ ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
પ્રમુખ ટ્રમ્પે કોંગ્રેસને બાજુ પર હડસેલી સત્તાનો મહત્તમ દુરુપયોગ કર્યો : કોર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯૭૭ના ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટને ટાંકીને લાંબા સમયથી ચાલતી વેપાર ખાધને ‘રાષ્ટ્રીય કટોકટી’ જાહેર કરી હતી અને દુનિયાના દેશો પર વિવિધ ટેરિફ નાંખ્યા હતા. ફેડરલ અપીલ્સ કોર્ટે કહ્યું કે, અમેરિકન બંધારણ મુજબ ટેક્સ અને ટેરિફ લગાવવાની મૂળ શક્તિ કોંગ્રેસ પાસે છે, પરંતુ ધીમે-ધીમે આ પાવર પ્રમુખને પણ અપાય છે. જોકે, ટ્રમ્પે આ શક્તિનો મહત્તમ દુરુપયોગ કર્યો છે. ફેડરલ કોર્ટે ચૂકાદામાં લખ્યું કે કોંગ્રેસનો ઈરાદો પ્રમુખને અમર્યાદિત સત્તા આપવાનો હોય જેથી તેઓ ટેરિફ લગાવી શકે તેવું લાગતું નથી.
આ સાથે ફેડરલ અપીલ્સ કોર્ટે ન્યૂયોર્કમાં વિશેષ ફેડરલ ટ્રેડ કોર્ટે મે મહિનામાં આપેલા ચુકાદાને મોટાભાગે જાળવી રાખ્યો છે. ફેડરલ કોર્ટે મે મહિનામાં તેના ચૂકાદામાંકહ્યું હતું કે, ટ્રમ્પના ‘લિબરેશન ડે ટેરિફ’ કાયદા હેઠળ અપાયેલી શક્તિઓથી બહાર છે. જોકે, ફેડરલ અપીલ્સ કોર્ટનો ચૂકાદો ૭-૪ના બહુમતથી આવ્યો હોવાથી ટ્રમ્પના ટેરિફનો અમલ તાત્કાલિક અટકાવી શકાશે નહીં તેમજ ટ્રમ્પ સરકારને આ ચૂકાદાને યુએસ સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે ૧૪ ઑક્ટોબર સુધીનો સમય મળી ગયો છે. જોકે, સુપ્રીમ કોર્ટ પણ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે જાહેર કરશે તો અમેરિકા ૧૪ લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ દુનિયાના દેશોને આપવું પડી શકે છે, જેનાથી અમેરિકન અર્થતંત્રને ભારે નુકસાન થવાનું જોખમ છે.
ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને જુલાઈ સુધીમાં 159 અબજ ડોલરની આવક
ફેડરલ અપીલ્સ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે એપ્રિલના નિર્ણયને કેન્દ્રિત કરી આ ચૂકાદો આપ્યો છે. અમેરિકાના લિબરેશન ડેના દિવસે ટ્રમ્પે દુનિયાના લગભગ બધા જ દેશો પર ૧૦ ટકા બેઝલાઈન ટેરિફ અને વેપાર ખાધ હોય તેવા દેશો પર ૫૦ ટકા સુધીના ટેરિફની જાહેરાત કરી હતી. પાછળથી ટ્રમ્પે આ ટેરિફનો અમલ ૯૦ દિવસ મુલતવી રાખ્યો હતો. વિવિધ દેશો પર અલગ અલગ સમયે નાંખેલા ટ્રમ્પના ટેરિફનો અમલ બે એપ્રિલથી શરૂ થઈ ગયો હતો. ટ્રમ્પના ટેરિફના કારણે અણેરિકાને જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજે ૧૫૯ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૪ લાખ કરોડ)ની કમાણી થઈ છે.
ગેરકાયદે વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટી પર પણ કોર્ટનો સ્ટે
ફેડરલ કોર્ટે ટ્રમ્પના ટેરિફના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે ત્યારે શુક્રવારે જ અન્ય એક અમેરિકન કોર્ટે ટ્રમ્પના ગેરકાયદે વસાહતીઓની અમેરિકામાંથી તાત્કાલિક હકાલપટ્ટી કરવાના નિર્ણય પર પણ કામચલાઉ સ્ટે મૂકી દીધો છે. ફેડરલ જજે અમેરિકાના અંતરિયાળ વિસ્તારોમાંથી અટકાયત કરાયેલા દસ્તાવેજ વિનાના વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટીની કાર્યવાહીને કામચલાઉ ધોરણે અટકાવી દીધી છે. કોર્ટના આ પગલાંથી ન્યાયાધીશ સમક્ષ હાજર કર્યા વિના ગેરકાયદે વસાહતીઓને અમેરિકામાંથી કાઢી મુકાવાના ટ્રમ્પ સરકારના પ્રયત્નોને ફટકો પડયો છે.
દેશમાં ગેરકાયદે વસાહતીઓને પણ બંધારણ હેઠળ અધિકારો મળ્યા છે
ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૪ના પ્રમુખપદના ચૂંટણી અભિયાનમાં વચન આપ્યું હતું કે, પોતે ફરી સત્તા પર આવશે તો એક જ વર્ષમાં ૧૦ લાખ ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી કરશે. જોકે વોશિંગ્ટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જિયા કોબેએ કહ્યું કે, ગેરકાયદે વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટી તેમના અધિકારોનો ભંગ છે. ગેરકાયદે વસાહતીઓને પહેલાં પણ અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવતા હતા. પરંતુ જાન્યુઆરી પછી આ પ્રક્રિયામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. જે લોકો પાસે અમેરિકાની નગારિક્તા નથી અને તેમની પાસે એવા પણ પુરાવા નથી કે તેઓ બે વર્ષ કરતાં વધુ સમયથી અમેરિકામાં રહે છે તેમની ધરપકડ કરીને તેમની હકાલપટ્ટી કરાય છે. જોકે, બંધારણના પાંચમા સુધારા હેઠળ ગેરકાયદે વસાહતીઓને પણ આ દેશમાં અધિકારો મળ્યા છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયે તેમની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. ટ્રમ્પ સરકાર કહ્યું કે તે કોર્ટના આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.


