WORLD : ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી, ભારતને પડી શકે છે જોરદાર ફટકો!

0
116
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ ઝીંકવાની તૈયારીમાં છે. આ માટે એક નવી દરખાસ્ત રજૂ કરી છે. તેમણે કહ્યું કે આવનારા 50 દિવસમાં તપાસ પૂરી થશે અને ત્યાર પછી નક્કી થશે કે અન્ય દેશોમાંથી અમેરિકામાં આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લગાવવામાં આવે. ટ્રમ્પ માને છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવશે અને ઉત્પાદનને દેશની અંદર પાછું લાવશે.

ટ્રમ્પ ફર્નિચર આયાત પર ટેરિફ કેમ લગાવવા માગે છે?

ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને મિશિગન જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો. આ રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્ર હતા, પરંતુ સસ્તા શ્રમ અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે મોટાભાગની કંપનીઓ પોતાનું કામ વિદેશોમાં લઈ ગઈ. ટ્રમ્પનું કહેવું છે કે નવા ટેરિફથી કંપનીઓ ફરીથી અમેરિકામાં ઉત્પાદન કરવા માટે મજબૂર થશે.

ટ્રમ્પની જાહેરાતનો શેર માર્કેટ પર અસર

આ જાહેરાતની સીધી અસર અમેરિકન શેર બજારમાં જોવા મળી. ફર્નિચર અને હોમ ગુડ્સ કંપનીઓના શેરમાં ઘટાડો થયો. બીજી બાજુ અમેરિકન મેન્યુફેક્ચરિંગ કંપનીઓના શેરના ભાવમાં વધારો થયો છે. વિશ્લેષકો માને છે કે જો ટેરિફ લાગુ થાય તો વિદેશી ઉત્પાદનો મોંઘા થઈ જશે અને ઘરેલુ કંપનીઓને ફાયદો થશે.

ટ્રમ્પ પ્રશાસન કરી રહ્યું છે તપાસ

અમેરિકન વાણિજ્ય વિભાગ હાલમાં તપાસ કરી રહ્યું છે. આ તપાસ ટ્રેડ એક્સપેન્શન એક્ટ, 1962ની કલમ 232 હેઠળ થઈ રહી છે. આ કાયદો અમેરિકન સરકારને એવા ઉત્પાદનો પર ટેરિફ લગાવવાની પરવાનગી આપે છે જેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી માનવામાં આવે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આ ટેરિફ હાલની ડ્યુટી પર હશે કે તેની જગ્યાએ લેશે.

યુએસમાં એક સમયે ફર્નિચર ઉદ્યોગ 12 લાખ લોકોને રોજગાર આપતો હતો

એક સમય હતો જ્યારે અમેરિકાનો ફર્નિચર ઉદ્યોગ ખૂબ મજબૂત હતો. 1979માં આ ઉદ્યોગમાં લગભગ 12 લાખ લોકો કામ કરતા હતા. 2023 સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 3.4 લાખ રહી ગઈ છે. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશોમાં સસ્તું ઉત્પાદન અને મોટા પાયે આઉટસોર્સિંગ માનવામાં આવે છે. ટ્રમ્પનું કહેવું છે કે નવા ટેરિફથી ફક્ત અમેરિકન ઉદ્યોગને જ પ્રોત્સાહન નહીં મળે, પરંતુ હજારો લોકો માટે રોજગાર પણ પાછો આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here