અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી ૨૦૨૫માં બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી દુનિયાને જંગી ટેરિફથી ડરાવી રહ્યા છે. તેમણે કેનેડા, મેક્સિકો, ચીન પર જંગી ટેરિફ નાંખ્યો અને બીજા દિવસે યુ-ટર્ન લઈ તેનો અમલ મુલતવી રાખ્યો. છેલ્લા છ મહિનામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પે છ વખત અનેક દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરી અને છ વખત તેનો અમલ મોકુફ રાખ્યો. ટ્રમ્પની છેલ્લી જાહેરાત મુજબ ૧ ઑગસ્ટથી અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફનો અમલ થવાનો હતો. ટ્રમ્પે ૩૧ જુલાઈે ભારત પર ૨૫ ટકા સહિત ૭૧ દેશો પર ૪૧ ટકા સુધીના ટેરિફ અંગે એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર પણ કરી દીધા, પરંતુ ૧ ઑગસ્ટે અમલ શરૂ થવાના કલાકો પહેલાં જ તેને ૭ દિવસ માટે મુલતવી રાખ્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૩૧ જુલાઈએ ભારત પર ૨૫ ટકા સહિત ૭૧ દેશો પર ૧૦ ટકાથી લઈને ૪૧ ટકા સુધી નવા રેસિપ્રોકલ ટેરિફ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. જોકે, ટ્રમ્પે દુનિયામાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાન પ્રત્યે વિશેષ પ્રેમ દર્શાવતા તેના પરનો ટેરિફ ૨૯ ટકાથી ઘટાડીને ૧૯ ટકા કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે બાંગ્લાદેશ પરનો ટેરિફ પણ ઘટાડી દીધો છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે અમેરિકન સંરક્ષણવાદનો નવો યુગ શરૂ કરીને અને વૈશ્વિક વેપારમાં નવી અશાંતિના ભયને બળ આપ્યું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ૨૫ ટકા ટેરિફથી અમેરિકામાં ભારતની અડધી નિકાસ પર જ અસર થવાની આશંકા છે. ભારત અને અમેરિકા વચ્ચે ૨૦૨૪-૨૫માં ૧૩૧.૮ અબજ ડોલરનો વેપાર થયો હતો. અમેરિકા ભારતમાંથી ૮૬.૫ અબજ ડોલરના મૂલ્યના સામાન આયાત કરે છે જ્યારે માત્ર ૪૫.૩ અબજ ડોલરના સામાનની ભારતમાં નિકાસ કરે છે. ટ્રમ્પના ટેરિફથી ભારતના ટેક્સટાઈલ-કપડાં (૧૦.૩ અબજ ડોલર), હીરા અને ઝવેરાત (૧૨ અબજ ડોલર), મરીન (૨.૨૪ અબજ ડોલર), ચામડાં અને પગરખાં (૧.૧૮ અબજ ડોલર), પશુઓના ઉત્પાદનો (બે અબજ ડોલર), રસાયણો (૨.૩૪ અબજ ડોલર) અને ઈલેક્ટ્રિક તથા મિકેનિકલ મશીનરી (૯ અબજ ડોલર)ના ક્ષેત્રો પર અસર થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું કે, ફાર્માસ્યુટિકલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સહિત ભારતની નિકાસનો નોંધપાત્ર હિસ્સો અમેરિકન છૂટની કેટેગરી હેઠળ આવે છે તેથી ટ્રમ્પના ટેરિફની આ સામાન પર અસર નહીં થાય. આમ, અમેરિકામાં ભારતની અડધી નિકાસ પર કોઈ અસર નહીં થાય. અમેરિકામાં નિકાસ થતી ૪૦ અબજ ડોલરના મૂલ્યની વસ્તુઓ પર જ ટ્રમ્પના ટેરિફની અસર થશે.
દરમિયાન ભારત વિરુદ્ધ ટ્રમ્પના નિવેદનો મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ટેરિફની બાબત છે તેના પર સરકારે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ભાગીદારી ઘણી મજબૂત છે. ભારત અમેરિકાની ભાગીદાર સંયુક્ત હિતો, લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. આ ભાગીદારી અનેક પરિવર્તનો અને પડકારોનો સામનો કરી ચૂકી છે. અમે હાલ બંને દેશો વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જે આ મહિનાના અંતમાં થવાની છે. અમને વિશ્વાસ છે કે બંને દેશોના સંબંધો મજબૂત રહેશે. ભારત અને રશિયાના સંબંધો પર તેમણે કહ્યું કે, બંને દેશો વ્ચચેના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. કોઈપણ દેશ સાથે અમારા સંબંધ તેની યોગ્યતા પર આધારિત હોય છે અને તેને કોઈ ત્રીજા દેશના ચશ્માથી જોવા ના જોઈએ.

