રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ થી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ હતી. આ પછી તેને એક પછી એક ફિલ્મો મળતી રહી. એક્ટ્રેસે ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’, ‘બેડ ન્યૂઝ’, ‘ભૂલ ભુલૈયા 3’ જેવી ઘણી ફિલ્મો કરી. પરંતુ કોઈ પણ ફિલ્મ તૃપ્તિને ઓળખ અપાવવામાં મદદ ન કરી શકી. તેની એક પછી એક ફિલ્મો ફ્લોપ ગઈ. ‘એનિમલ’ ફિલ્મમાં તૃપ્તિ સાથે કામ કરનાર અભિનેતા સૌરભ સચદેવાએ આ વિશે વાત કરી છે. તેણે તૃપ્તિનો ફિલ્મ પસંદગીનો નિર્ણય જોખમી ગણાવ્યો.
કો-એક્ટરે કર્યો બચાવ
સૌરભે કહ્યું કે, ‘તૃપ્તિ જ્યાં સુધી આવી ફિલ્મો કરશે નહીં ત્યાં સુધી તેને કેવી રીતે ખબર પડશે કે તે આવી ફિલ્મો માટે યોગ્ય છે કે નહીં? તેને ત્યારે જ ખબર પડશે જ્યારે તે આ ફિલ્મો કરશે અને જોખમ લેશે. એક અભિનેતાનું કામ જોખમ લેવાનું છે, આપણે દરરોજ એક જ કામ નથી કરતા. આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ અને ક્યારેક-ક્યારેક એક્સપેરિમેન્ટ ફેલ પણ થઈ શકે છે.’ ‘આનો અર્થ એ નથી કે તે નિષ્ફળ છે. હું શાળા અને રમતગમતમાં ઘણી વખત ફેલ થયો છું. પણ આનો અર્થ એ નથી કે હું નિષ્ફળ છું.’
તૃપ્તિ ડિમરી જોખમ લેવાનો પ્રયાસ કરી રહી છે
સૌરભે આગળ કહ્યું કે, બની શકે કે તે ફેલ થઈ ગઈ હોય, ફિલ્મો ફ્લોપ થઈ હશે, તેનું પ્રદર્શન ફેલ થઈ ગયું હશે પરંતુ સચિન તેંડુલકર પણ ક્યારેક-ક્યારેક રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો છે. હું તેમની સરખામણી નથી કરી રહ્યો, હું માત્ર એટલું કહી રહ્યો છું કે તે જોખમ લેવાનો પ્રયાસ કરી રહી છે, જે એક કલાકાર માટે ખૂબ જ સુંદર વાત છે. તૃપ્તિની ફિલ્મ ધડક 2 તાજેતરમાં રિલીઝ થઈ હતી, સારી સ્ટોરી હોવા છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. આ અંગે સૌરભે કહ્યું કે અભિનેત્રીએ ફિલ્મમાં સારું કામ કર્યું છે.


