નડિયાદ પાસેના ઉત્તરસંડા ગામમાં આવેલા વેરા તળાવમાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. દડો તળાવમાં પડતાં તેને લેવા જતાં આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં ૯ વર્ષીય મયંક અને ૬ વર્ષીય હરેન બાથમનું મૃત્યુ થયું છે.
મૂળ મધ્યપ્રદેશના અને છેલ્લા આઠ વર્ષથી નડિયાદમાં રહેતા નીલુસિંગ બાથમ હાલમાં ત્રણ મહિના પહેલાં જ તેમના પરિવાર સાથે ઉત્તરસંડા રહેવા ગયા હતા. તેઓ નડિયાદમાં કલરકામ કરીને ગુજરાન ચલાવે છે. બુધવારે સાંજે તેમના બંને પુત્રો મયંક અને હરેન ગામના વેરા તળાવના કિનારે ક્રિકેટ રમવા ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતાં તેમની માતાએ પિતા નીલુસિંગને જાણ કરી. નીલુસિંગ તપાસ માટે તળાવ કિનારે પહોંચ્યા ત્યારે તેમણે બાળકોના ચંપલ અને ક્રિકેટનું બેટ જોયું. બાળકોની કોઈ ભાળ ન મળતાં તેમને તળાવમાં ડૂબી ગયા હોવાની શંકા ગઈ. તેમણે તાત્કાલિક ગ્રામજનોને આ અંગે જાણ કરી અને નડિયાદ ફાયર બ્રિગેડ અને વડતાલ પોલીસને બોલાવવામાં આવી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને તળાવમાં એક શર્ટ દેખાતાં તેમણે ફાયર ટીમને તે દિશામાં તપાસ કરવા જણાવ્યું. થોડી જ વારમાં મોટા પુત્ર મયંકનો મૃતદેહ મળી આવ્યો. ત્યાર બાદ નજીકથી જ નાના પુત્ર હરેનનો મૃતદેહ પણ મળી આવ્યો. બે બાળકોના મૃતદેહ મળતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બાળકોના પિતા નીલુસિંગના જણાવ્યા અનુસાર, તેમના બાળકો ઘણીવાર આ તળાવ કિનારે રમવા આવતા હતા, પરંતુ આ વખતે કાળ તેમની રાહ જોઈને બેઠો હતો.
REPOTER : નરેશ ગનવાણી નડિયાદ


