લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ભરૂચને મળેલી બાતમીના આધારે, હાંસોટ તાલુકાના ખરચ ગામ પાસે આવેલી ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીના કમ્પાઉન્ડમાંથી બે બોલેરો ગાડીમાં શંકાસ્પદ ભંગાર સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન તેમને માહિતી મળી કે ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીના ગોડાઉનમાં બે બોલેરો પિકઅપ ગાડીમાં બિલ વગર ભંગાર ભરીને લાવવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને બે બોલેરો ગાડી મળી આવી હતી.
* બોલેરો ગાડી નંબર GJ 05 CW 8589: આ ગાડીમાંથી એલ્યુમિનિયમના કેબલના નાના-મોટા ટુકડાઓનો ભંગાર મળી આવ્યો.
* બોલેરો ગાડી નંબર GJ 05 BX 8524: આ ગાડીમાંથી એલ્યુમિનિયમ સેક્શનના નાના-મોટા ટુકડાઓનો ભંગાર મળી આવ્યો.
પોલીસે ગાડીઓમાંથી કુલ 3,740 કિલોગ્રામ ભંગાર જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂપિયા 11,22,000/- થાય છે. આ ઉપરાંત, પોલીસે બે બોલેરો ગાડીઓ (કિંમત રૂ. 6,00,000/-) અને બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000/-) પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂપિયા 17,32,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે બે ઇસમો ઇકરામ નુરમહંમદ અલવીર અને વસીમખાન નામદારખાન પઠાણ ને ઝડપી પાડ્યા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


