ઉના પંથકમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરનાર ત્રણેય હેવાનોએ તેને દવા સુંઘાડી બેભાન કરી હતી, ત્યારબાદ ત્રણેય દરિયામાં માછીમારી કરવા જતા રહ્યા હતા. પોલીસે બોટના ટંડેલ સાથે વાયરલેસ પર વાત કરી બોટને પરત બોલાવી હેવાનોની ધરપકડ કરીને હવે રિમાન્ડ માગવાની તજવીજ આદરી છે.

નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં એકલાયું જીવન જીવતા 50 વર્ષીય વિધવા મહિલાને સાતેક દિવસ પહેલા 3 શખ્સોએ ફોસલાવી બાઈક પર લઈ જઈ અપહરણ કરી અવાવરૂ જગ્યાએ કોઈ દવા સુંઘાડી બેભાન કરી હતી. બાદમાં સામુહિક દુષ્કર્મ આચરી મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં મુકી ત્રણેય શખ્સ નાસી ગયા હતા. ત્રણ દિવસ સુધી તરફડીયા માર્યા બાદ મહિલાએ તેના મિત્રને ફોન કરી જાણ કરતા તેણે આવી મહિલાને સારવારમાં ખસેડી હતી. મહિલાએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમ્યાન મહિલા પર દુષ્કર્મ કરનાર નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળીયો દેવચંદ બારીયા, સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબુતર દેવશી મજેઠીયા અને અંશ ઉર્ફે અંશુ સુરેશ ફુલબારીયાનું નામ ખુલ્યું હતું. આ અંગે ઈન્ચાર્જ પીઆઈ એમ.એન. રાણાએ જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સો મહિલાને અવાવરૂ સ્થળે બાઈક પર લઈ ગયા હતા, ત્યાં દવા સુંઘાડી બેભાન કરી સામુહિક દુષ્કર્મ આચરી નાસી ગયા હતા. મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં પડયા રહ્યા હતા. બે હેવાનો સામુહિક દુષ્કર્મ જેવા ગંભીર ગુનાને અંજામ આપી માછીમારી કરવા દરિયામાં જતા રહ્યા હતા. આ અંગેની માહિતી મળતા બોટ માલિકનો સંપર્ક કરી ટંડેલ સાથે વાયરલેસના માધ્યમથી વાત કરી બોટને નવાબંદર કાંઠે બોલાવાઈ હતી. જેમાં નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળીયો દેવચંદ બારીયા અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબુતર મજેઠીયાને પકડી લઈ પૂછપરછ કરતા બંનેએ ત્રીજો શખ્સ અંશ ઉર્ફે અંશુ હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પણ માછીમારીની મજુરી કરવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને પણ દરિયામાં રહેલી બોટમાંથી પકડી લીધો હતો. આવતીકાલે પોલીસે ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરશે. આ હેવાનોએ કઈ દવા સુંઘાડી હતી, બાઈક કોની હતી, મહિલાને ક્યા-ક્યા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું તે સહિતની બાબતો અંગે પૂછપરછ શરૂ કરી છે.

