યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રધ્ધાળુ માઇ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યા છે ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક, દુ:ખાવો અને તાવ, ખાંસી, શરદી જેવી નાની મોટી બિમારીની સમસ્યા પણ સતાવતી હોય છે. આ ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે માઇભકતોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.
મેળાના પાંચમા દિવસ સુધી કુલ ૨૯૮ જેટલા પદયાત્રીઓને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી. જેમાંથી ૨૩ જેટલા દર્દીઓને અન્યત્ર રિફર કરાયા છે. મેળામાં કોઈપણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ કલોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ, ખેંચ, ચેસ્ટ પેઈન, અકસ્માત સહિતની બીમારીઓમાં ૨૯૮ લોકોને ઇમરજન્સી સારવાર આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજી ખાતે આપવામાં આવી છે.
આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજીના સુપ્રીટેન્ડન્ટ વાય.કે.મકવાણાએ જણાવ્યું હતું કે, અંબાજી મેળામાં કોઈ પણ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડેપગે તૈયાર છે. અંબાજી મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. હાલ રાઉન્ડ ધ કલોક બધા રોગના સ્પેશ્યિલ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ડ્રાઇવર અને પટાવાળા સાથે છ એમ્બ્યુલન્સ હાજર છે. સારવાર મેળવનાર દર્દીઓ અને તેના સગાઓએ પણ હોસ્પિટલની સારવારથી સંતોષ વ્યક્ત કરી હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
પ્રતિનિધિ : દિપક પુરબીયા


