સામાન્ય રીતે શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં એક અનોખો અને હૃદયસ્પર્શી પ્રવેશોત્સવ જોવા મળ્યો હતો. અહીંના વિદ્યાર્થીઓએ પોતાની આચાર્યા રેખાબેન મકવાણાની શાળામાં ૧૩ વર્ષની સેવા પૂર્ણ થવા નિમિત્તે તેમનો પ્રવેશોત્સવ ઉજવીને ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તા. ૦૧.૦૯.૨૦૧૨ ના રોજ રેખાબેન મકવાણા સરભાણ કુમાર શાળામાંથી બદલી થઈને સુઠોદરા પ્રાથમિક શાળામાં જોડાયા હતા. “કર્મ એ જ પૂજા” અને “કર્મ એ જ ધર્મ” જેવા જીવનમંત્ર સાથે તેમણે શાળાને ‘C’ ગ્રેડમાંથી A++ ગ્રેડ સુધી પહોંચાડી હતી. આ પ્રેરણાદાયક સફર દરમિયાન તેમને શ્રેષ્ઠ શિક્ષક, ગુજરાત ગૌરવ, અને પર્યાવરણ સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજે, તેમની ૧૩ વર્ષની અવિરત સેવાને બિરદાવવા માટે, બાળકોએ એક અનોખી પહેલ કરી હતી. રેખાબેને શાળામાં પ્રવેશ કર્યો ત્યારે બાળકોએ તેમને પ્રેમથી ઘેરી લીધા હતા. પ્રાર્થનાખંડમાં પ્રવેશીને આચાર્યાએ જોયું કે પંખા પર ફૂલોની પાંખડીઓ પાથરવામાં આવી હતી. પંખો ચાલુ થતાં જ તેમના પર પુષ્પવર્ષા થઈ હતી, અને બાળકોએ શાળાના બગીચામાંથી બનાવેલા સુંદર પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કર્યું હતું. નાના બાળકોની આ સમજદારી, આયોજન અને ગુરુ પ્રત્યેનો પ્રેમ જોઈને રેખાબેન અત્યંત ભાવુક થઈ ગયા હતા.
આ પ્રસંગે શાળાના એસ.એમ.સી., એમ.ડી.એમ., અને આંગણવાડીના સભ્યો સહિત વડીલ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ રેખાબેનને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા. હાલમાં તેમની જિલ્લા ફેરબદલી થઈ ગઈ હોવા છતાં, તેમણે શાળા અને બાળકોના હિતને પ્રાધાન્ય આપીને વધુ છ મહિના સુઠોદરામાં સેવા આપવાનો નિર્ણય લીધો છે, જેના બદલ સૌએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ યાદગાર દિવસને વધુ ખાસ બનાવવા માટે, રેખાબેને બાળકો માટે તિથિભોજનનું આયોજન કર્યું હતું. તેમણે પોતાના હાથે બાળકોને ભોજન પીરસીને પોતાના જીવનમંત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ બાળકોને શિક્ષણની સાથે સંસ્કારોનું શિક્ષણ આપવાની રેખાબેનની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો હતો.


