શામલી: ઉત્તર પ્રદેશના શામલીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. કૈરાના નગરના સલમાનને પત્ની સાથે ડખો થતાં બાળકો સાથે યમુના નદીમાં કૂદી ગયો હતો. એક વ્યક્તિ અને ચાર બાળકો યમુના નદીમાં ડૂબવાની સૂચના મળતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નદીમાં સર્ચ ઑપરેશન ચલાવ્યું. યમુના તટ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. શુક્રવાર બપોરે લગભગ 12 વાગ્યે શહેરના રહેવાસી સલમાન પોતાની 12 વર્ષની દીકરી મહેક, શિફા (5), ઇનાયશા (8 મહિના) અને દીકરો આયાન (3) સાથે યમુના નદીએ પહોંચ્યો અને ચારેય સાથે લઈને નદીમાં છલાંગ લગાવી દીધી. તેણે આ દુર્ઘટના પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં કહ્યું કે, તેને પત્નીને કોઈ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. તેના કારણે તે છેલ્લા સાત મહિનાથી ટેન્શનમાં છે. સલમાને આ ઘટના માટે પત્ની અને તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યો છે.

આ દુર્ઘટનાની જાણકારી મળતા એસડીએમ નિધિ ભારદ્વાજ અને સીઓ શ્યામ સિંહ ઘટનાસ્થળે આવી પહોંચ્યા. તરવૈયાઓની મદદથી સર્ચ ઑપરેશન ચલાવ્યું. પોલીસે જણાવ્યું કે, એક વ્યક્તિએ પોતાના ચાર બાળકો સાથે યમુના નદીમાં ઝંપલાવ્યું છે, કારણ કે તેની પત્ની કોઈ બીજા સાથે જતી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સલમાને પોતાની પત્ની સાથે થયેલા વિવાદ બાદ આ પગલું ઉઠાવ્યું છે. કૂદતા પહેલા તેણે એક વીડિયો રેકોર્ડ કર્યો અને પોતાની બહેન ગુલિસ્તાને મોકલ્યો, જેમાં દુર્ઘટના બાદ પત્ની ખુશનુમા અને તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યો છે.
અધિક પોલીસ અધીક્ષક સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, બાળકોની ઓળખ મહેક (12), શિફા (5), અમન (3) આઠ મહિનાની બાળકી ઇનાયશા તરીકે થઈ છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, સલમાન અને ખુશનુમાના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા, પણ હાલમાં જ પારિવારિક વિવાદ વધી ગયો હતો. તાજેતરનો ઝઘડો શુક્રવારે થયો હતો. જે બાદ ખુશનુમા કથિત રીતે પોતાના પ્રેમી સાથે જતી રહી. ત્યાર બાદ સલમાન પોતાના બાળકો લઈને યમુના નદીના પુલ પર ગયો અને નદીમાં છલાંગ લગાવી દીધી.

