ઉત્તર પ્રદેશમાં NEET એન્ટ્રેસ પરીક્ષાની તૈયારી કરી રહેલા 21 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી મોહમ્મદ આન નામના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. મોહમ્મદનો મૃતદેહ રાવતપુરની એક હોસ્ટેલમાં મળી આવ્યો છે. શુક્રવારે મિત્રો મોહમ્મદને નમાઝ માટે બોલાવવા આવ્યા હતા, પરંતુ તે તેમની સાથે નહોતો ગયો. જ્યારે હોસ્ટેલનોમાં સાથે રહેનારો વિદ્યાર્થી ઈમાદ હસન મસ્જિદમાંથી પરત ફર્યો ત્યારે તેણે મોહમ્મદને મૃત હાલતમાં જોયો.

જ્યારે ઈમાદ હસન મસ્જિદમાંથી પરત ફર્યો ત્યારે રૂમ અંદરથી બંધ હતો. તેણે ઘણી વાર મોહમ્મદને બૂમો પાડી પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો. ત્યારબાદ ઈમાદે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને દરવાજો તોડીને અંદર ગઈ તો મોહમ્મદ પંખા સાથે લટકી રહ્યો હતો. ત્યાંથી વિદ્યાર્થીએ લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી 21 વર્ષીય વિદ્યાર્થી ચાર દિવસ પહેલા જ હોસ્ટેલ આવ્યો હતો.
મૃતદેહ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘પપ્પા-મમ્મી મને માફ કરી દેજો. હું ખૂબ પ્રેસરમાં છું. હું તમારા સપના પૂરા ન કરી શકું. હું આપઘાત કરી રહ્યો છું અને તેના માટે હું જ જવાબદાર છું.’ પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તેના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.

