ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ડેમ સંપૂર્ણ ભરાઇ જશે, તેવું હાલ જણાઇ રહ્યું છે.

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમ આ સિઝનમાં ૯૯% જેટલો ભરાઇ ગયો છે. ડેમમાં જળ સપાટી ચોમાસામાં પહેલીવાર ૧૩૮ મીટરનો આંકડો પાર કરી ગઇ છે. હાલમાં ડેમમા સપાટી ૧૩૮.૨૨ મીટરે પહોંચી ગઇ છે, ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. આથી, ડેમ હવે સંપૂર્ણ છલોછલલ થવાથી ૪૬ સેન્ટિમીટર જ દૂર છે.
ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. ઉપરવાસમાંથી ૭૮,૨૮૨ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે ડેમમાંથી ૪૭,૧૭૭ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. ડેમ સંપૂર્ણ ભરાઇ જવાથી આવતા ચોમાસા સુધી પીવાના પાણીની અને સિંચાઇ માટે પાણીની ચિંતા હળવી થઇ છે.

