વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોેન થયેલા નુકસાનનો સર્વે પુરો થતાં રાજ્ય સરકારે કુલ ૭૨૦૧૮ ખેડૂતોને વળતરની રકમ ચૂકવી દીધી છે.જ્યારે,૨૬ હજારથી વધુ ખેડૂતો વળતરની રકમથી વંચિત રહી ગયા છે.

રાજ્યમાં ઓક્ટોબરમાં કમોસમી વરસાદે સર્જેલી તારાજીમાં વડોદરા જિલ્લો પણ બાકાત રહ્યો નહતો.વડોદરામાં ડાંગર,કેળા,કપાસ, સોયાબીન, શાકભાજી સહિતના પાકને મોટું નુકસાન થયું હતું.તો બીજીતરફ શિયાળુ પાક લેવાનો સમય આવી જતાં ખેડૂતોએ તાકીદે મદદ મળી રહે તે માટે માગણી કરી હતી.
ખેતીવાડી સૂત્રોના કહેવા મુજબ,વડોદરા જિલ્લામાં પાંચ મદદનીશ ખેતી નિયામકના નેજા હેઠળ ૯ વિસ્તરણ અધિકારી અને ૧૦૭ ગ્રામ સેવકો સહિત ૧૪૯ જેટલી ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.જે દરમિયાન કુલ ૯૮૨૨૯ ખેડૂતોની અરજીઓ મળતાં તેની તપાસ કરી રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
આ પૈકી ૭૨૦૧૮ ખેડૂતોને સરકારે તેમના ખાતામાં રૃ.૯૪ કરોડની સહાય મોકલી આપી છે.પરંતુ બાકીના ૨૬૨૧૦ ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે.ખેતીવાડી અધિકારીના કહેવા મુજબ,આ ખેડૂતોને વળતર મળે તે માટે તજવીજ ચાલી રહી છે.
