​VADODARA : ખાખી પર ડ્રગ્સનો ડાઘ: વડોદરા SOGનો ASI હેરોઈન કાંડમાં પકડાયો, SMCએ ₹૪૮ લાખના ડ્રગ્સ કેસમાં કરી ધરપકડ

0
14
meetarticle

રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ વડોદરા પોલીસ બેડામાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી એક એ.એસ.આઈ. (ASI) ની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. વડોદરા રેલ્વે સ્ટેશન પરથી અગાઉ ₹૪૮ લાખના હેરોઈન સાથે ઝડપાયેલા આરોપી અમરીકસિંધ ઉર્ફે સોનુ મલ્હીની તપાસમાં વડોદરા શહેર SOG બ્રાન્ચમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની સીધી સંડોવણી ખુલતા પોલીસે તેમની કાયદેસર અટકાયત કરી છે.


​તપાસની વિગત મુજબ, હેરોઈન સાથે પકડાયેલા આરોપી સોનુ મલ્હી અને એ.એસ.આઈ. લક્ષ્મીકાંત દેસાઈ વચ્ચે ગુનાહિત કનેક્શન હોવાના મજબૂત પુરાવા SMCને હાથ લાગ્યા છે. આરોપી પોલીસ કર્મચારી પાસેથી આઈફોન-૧૪ પ્રો સહિત કુલ ૩ મોબાઈલ ફોન તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ એ.એસ.આઈ. અગાઉ વડોદરા ડી.સી.બી.માં હતો ત્યારે પણ અસામાજિક પ્રવૃત્તિઓના વહીવટના આક્ષેપોને કારણે ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવ્યો હતો.
​સ્ટેટ મોનીટરીંગ સેલના પો.સ.ઈ. ડી.એ. તુવરે આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ખાખીની આડમાં ડ્રગ્સના સોદાગરોને રક્ષણ આપતા આ પોલીસકર્મીની ધરપકડથી અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. ડ્રગ્સ સપ્લાય નેટવર્કમાં અન્ય કોઈ પોલીસકર્મી કે વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here