ગ્રાહકો-વેપારીઓ મૂંઝવણમાં ડભોઇ શહેરમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રોનક જોવા મળી રહી છે, ખાસ કરીને દિવાળી દરમિયાન ઘરોની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા રંગો (કલરો)નું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. જોકે, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં કલરના ભાવમાં આશરે ૧૫ ટકા જેટલો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓ તેમજ ગ્રાહકો બંને મૂંઝવણ અનુભવી રહ્યા છે. મહિલાઓ દ્વારા અવનવા ચિત્રો અને સુવાક્યો દિવાળીના દિવસોમાં ડભોઇ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ આ રંગોનો ઉપયોગ કરીને ઘરના આંગણામાં અને ગામની ભાગોળે અવનવા અને રંગબેરંગી ચિત્રો દોરીને તેમાં રંગ રોકાણ કરતી હોય છે. ખાસ કરીને, ઘરોના ઓટલા પાસે દિવાળીના દસ દિવસ સુધી આ કલરોથી સુંદર ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ હેપ્પી દિવાળી ‘કાળી ચૌદસ ધનતેરસવાઘ બારસ’ જેવા તહેવારોના નામો અને આવકારના સુવાક્યો પણ લખીને તહેવારની ભાવનાને જીવંત કરે છે.

ભાવ વધારાનું કારણ અને વેપારીઓની સ્થિતિ કલરના વેપારીઓના જણાવ્યા અનુસાર, આ કલરો મુખ્યત્વે પથ્થરના બારીક પાવડરમાંથી બનાવવામાં આવે છે, જેમાં નાના-નાના કલરના પિગમેન્ટ્સ ઉમેરીને વિવિધ શેડ્સ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે, કલરના ઉત્પાદન માટેના કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે, તૈયાર કલરના છૂટક ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે.
ભાવ વધારાના કારણે વેપારીઓ મૂંઝવણમાં છે, કારણ કે તેમને ડર છે કે ઊંચા ભાવને કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી શકે છે અને વેચાણ ઘટી શકે છે. બીજી તરફ, દિવાળીના તહેવારની પરંપરા જાળવવા માટે ગ્રાહકો પણ મોંઘવારીનો માર સહન કરીને ખરીદી કરી રહ્યા છે, પરંતુ તેમના બજેટ પર આ વધારાનો બોજ પડી રહ્યો છે. તેમ છતાં, તહેવારનો ઉત્સાહ જાળવવા લોકો ખરીદી કરી રહ્યા હોવાથી બજારમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે.
repoter : ફકીરા ખત્રી ડભોઈ

