ડભોઇ શહેરમાં પવિત્ર ગણાતી ગાય માતાની હાલત આજે અત્યંત દયનીય બની છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાના રોડ પર, રબારી વગા પાસે છેલ્લા ત્રણ દિવસથી એક ગાય માતા ગંભીર બીમારી અને ભૂખ-તરસથી પીડાઈ રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે આ ગાય રસ્તાની વચ્ચે જીવતદાન માટે ટળવળી રહી હોવા છતાં તંત્ર કે પશુપાલકોના પેટનું પાણી હલતું નથી.પશુપાલકોની નિર્દયતા: દૂધ બંધ થતાં રસ્તા પર તરછોડી? સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગાય માતા છેલ્લા ત્રણ દિવસથી એક જ જગ્યાએ પડી રહી છે. તે એટલી બીમાર અને અશક્ત છે કે જાતે ઊભી પણ થઈ શકતી નથી. રહીશો દ્વારા નજીકમાં આવેલા રબારી વગાના પશુપાલકોને વારંવાર જાણ કરવામાં આવી છે. કેટલાક લોકો આવીને જોઈ પણ ગયા, પરંતુ પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે ત્યાંથી ચાલતી પકડતા જોવા મળ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હોવાથી માલિકે તેને રઝળતી મૂકી દીધી છે તંત્ર અને રાજકારણીઓ સામે જનતાનો રોષ એક તરફ ગાયના નામે રાજકારણ ખેલતા નેતાઓ અને બીજી તરફ નગરપાલિકાનો વહીવટ, બંને આ ગંભીર મુદ્દે મૌન સેવી રહ્યા છે.અકસ્માતનો ભય: આ રોડ સરકારી દવાખાના તરફ જાય છે, જ્યાં રાત્રિના સમયે દર્દીઓની અવરજવર વધુ હોય છે.
અંધકારનું સામ્રાજ્ય: વિસ્તારમાં પૂરતી સ્ટ્રીટ લાઈટોના અભાવે અંધારું રહે છે. રસ્તાની વચ્ચે બેઠેલી ગાયને કારણે વાહનચાલકો કે પગપાળા જનારા લોકો ગંભીર અકસ્માતનો ભોગ બની શકે તેમ છે.જીવદયાનો અભાવ: ત્રણ દિવસથી એક અબોલ જીવ તડપી રહ્યો છે, છતાં કોઈ સંસ્થા કે સરકારી તંત્ર દ્વારા તેની સારવાર કે તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તસ્દી લેવામાં આવી નથી.
સ્થાનિકોની માંગ ડભોઇના જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકા વહીવટદાર અને પશુપાલન વિભાગ તાત્કાલિક ધોરણે આ બીમાર ગાયની સારવાર કરાવે અને તેને પાંજરાપોળ કે સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડે. જો કોઈ અકસ્માત થશે અથવા ગાય માતાનો જીવ જશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું રહીશો જણાવી રહ્યા છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

