ભારતના સૌથી પવિત્ર અને સૌથી પ્રાચીન શહેર તરીકે જાણીતી કાશી નગરીમાં દેવ દિવાળીનું આગવું મહત્વ હોય છે.આ દિવસે આખુ શહેર રોશનીથી ઝળહળા થતું હોય છે.
આ વર્ષે તા.૫ નવેમ્બરે દેવ દિવાળીની ઉજવણી થનાર છે.આ દિવસે વડોદરા નજીકના ડભોઈની મહિલાઓએ બનાવેલા ૩ લાખ દિવાઓથી કાશી નગરીના ગંગા કિનારાના ઘાટ ઝગમગી ઉઠશે.

ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓ ઉમ્મીદ સેન્ટર ખાતે છેલ્લા પંદર દિવસથી ગાયના છાણમાંથી દિવાઓ બનાવવાની કામગીરી કરી રહી છે.રોજ ૬૦ થી ૭૦ મહિલાઓ માથા દીઠ ૩૦૦ થી ૪૦૦ દિવડા બનાવે છે અને આ માટે તેમને દરેક દિવા દીઠ એક થી દોઢ રુપિયો મળે છે.
વડોદરાની સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વીમેન્સ વેલફેર ફાઉન્ડેશન અને નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ એમ ત્રણ સંસ્થાઓએ મહિલાઓને રોજગારી મળે તે માટે આ પ્રોજેકટ હાથ ધર્યો છે.પ્રોજેકટના સંચાલન સાથે સંકળાયેલા મંજુબેન પટેલનું કહેવું છે કે, પ્રોજેકટ માટે ગૌશાળામાથી છાણ એકત્રિત કરીને તેને મશિન વડે બારીક પાવડરમાં ફેરવવામાં આવે છે.આ પાવડરને ઓર્ગેનિક મૈદા સ્ટિક સાથે ભેળવવામાં આવે છે.દિવાની વિશેષતા એ છે કે, તે સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખ જમીનમાં ખાતર તરીકે અથવા જંતુનાશક દવા તરીકે વાપરી શકાય છે.આમ દિવા ઈકો ફ્રેન્ડલી પણ છે.

