VADODARA : ડભોઈ સરકારી હોસ્પિટલ પોતે જ ‘બીમાર’: ઓપરેશન થિયેટરના પોપડા ઉખડ્યા, સર્જનના અભાવે દર્દીઓ રામભરોસે

0
33
meetarticle

​ડભોઈ શહેર અને તાલુકાની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતું સરકારી દવાખાનું અત્યારે વિવાદોનું કેન્દ્ર બન્યું છે. હોસ્પિટલનું તંત્ર અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ક્યારેક સ્ટાફની દાદાગીરી તો ક્યારેક તબીબોની લાપરવાહી સામે આવે છે, પરંતુ હાલમાં ઓપરેશન થિયેટર (OT) ની જર્જરિત હાલત અને સર્જનના અભાવે ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે ઓપરેશન થિયેટરના છતના પોપડા ખરે છે દર્દીઓ જાય ક્યાં?


​પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલના ઓપરેશન થિયેટરની હાલત અત્યંત ખખડધજ છે ઓ.ટી.ની છત પરથી પોપડા ખરી રહ્યા છે જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જોખમી હોવા છતાં, હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા મરામત કરાવવા બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી વાંસ હોય તો જ વાંસળી વાગે તેમ સુવિધાના નામે અહી મીંડું જોવા મળી રહ્યું છે તબીબોનો અભાવ અને ખાનગી હોસ્પિટલોની લૂંટ હોસ્પિટલમાં કાયમી સર્જનની પણ અછત છે. ઓપરેશનની સુવિધા ન હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને નાછૂટકે મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે. સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓ અહીં માત્ર ધક્કા ખાઈ રહ્યા છે.
​સ્ટાફની મનમાની: બસના ટાઈમે ‘અપ-ડાઉન’ અને બગડેલા હાજરી મશીનોહોસ્પિટલના વહીવટમાં પણ અનેક છીંડાઓ જોવા મળ્યા છે:સમયપાલનનો અભાવ: મોટાભાગનો સ્ટાફ બસના સમય મુજબ અપ-ડાઉન કરે છે, જેના કારણે ઈમરજન્સી સમયે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે હાજરીમાં લાપરવાહી: સ્ટાફની હાજરી નોંધવા માટેના બાયોમેટ્રિક (અંગૂઠાના) મશીનો પણ લાંબા સમયથી બગડેલા છે. આ સ્થિતિ સ્ટાફ માટે ભાવતું હતું ને વૈદ્યએ કહ્યું જેવી સાબિત થઈ રહી છે કારણ કે તેમની અવર-જવર પર કોઈ રોકટોક રહી નથી જિલ્લા આરોગ્ય તંત્રની કુંભકર્ણ નિદ્રા સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જિલ્લા આરોગ્ય વડાએ અગાઉ હોસ્પિટલની મુલાકાત લઈ ગંભીર ગેરરીતિઓ ઝડપી પાડી હતી. તેમ છતાં, આજદિન સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જાણે જિલ્લા આરોગ્ય અધિકારી કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.જનતાની માંગ: ડભોઈ સરકારી દવાખાનાને આધુનિક બનાવવાની વાતો તો દૂર રહી, પણ ઓછામાં ઓછું તેને ‘દવાખાના યોગ્ય’ બનાવવામાં આવે અને તુરંત સર્જનની નિમણૂક કરી જર્જરિત ઓ.ટી.નું રિપેરિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here