ડભોઈ: શહેરના ઐતિહાસિક હીરા ભાગોળની બહાર, ગોવિંદેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવની હાલત અત્યંત દયનીય બની છે. તળાવમાં પાણીને બદલે ચારે તરફ ‘નફ્ફટ વેલ’ (જળકુંભી/નિલમ)નું વ્યાપક સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ લીલી વનસ્પતિ એટલા મોટા પ્રમાણમાં ઉગી નીકળી છે કે દૂરથી જોતાં તળાવમાં પાણી છે કે નહીં તે પણ દેખાતું નથી.પાણીને બદલે માત્ર લીલોતરી અને દુર્ગંધ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તળાવમાં નફ્ફટ વેલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે પાણીમાં સડો થતાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકી અને વેલના કારણે મચ્છરો, જીવ-જંતુઓ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ વ્યાપક પ્રમાણમાં વધ્યો છે.

મચ્છરોનો ત્રાસ અને રોગચાળાનો ભય
નફ્ફટ વેલ અને ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. સતત વધતા મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવવાનો મોટો ભય સતાવી રહ્યો છે. રાત્રે તો ઠીક, દિવસ દરમિયાન પણ મચ્છરોના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.તળાવની નજીક જ હીરા ભાગોળનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું હોવા છતાં તેની સફાઈ પ્રત્યે પાલિકા તંત્રની ઉદાસીનતા સ્થાનિકોમાં રોષ પેદા કરી રહી છે.
સ્થાનિકોની નગરપાલિકાને તાત્કાલિક કામગીરીની માંઞ આસપાસના પરેશાન રહીશોએ ડભોઈ નગરપાલિકા તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે, આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે. તળાવમાંથી તાત્કાલિક ધોરણે આ નફ્ફટ વેલ અને ગંદકી દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે, જેથી મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળે અને લોકોને રોગચાળાના ભયમાંથી રાહત મળી શકે. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

