તરસાલીમાં નજીવી બાબતે તકરાર થતા યુવક પર ધારદાર વસ્તુથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયા ડભોઇ રિંગ રોડ વ્રજ બંગલોમાં રહેતો અભિજીતસિંહ દેવેન્દ્રસિંહ બ્રહ્મભટ્ટ વાહનોના શો રૃમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૯ મી તારીખે રાતે ૧૧ વાગ્યે હું મારા અંગત કામ માટે તરસાલી ગામ પાસે રાઠોડિયા વાસમાં મોપેડ લઇને ગયો હતો. રાતે સાડા અગિયાર વાગ્યે હું મારૃં મોપેડ લઇને હનુમાનજીના મંદિર પાસે ઉભો હતો. તે દરમિયાન એક વ્યક્તિએ આવીને કહ્યું કે, તું અહીંયા કેમ ઉભો છે ? તારી ગાડી હટાવી લે. મેં તેને કહ્યું કે, થોડીવારમાં હું અહીંયાથી જતો રહીશ.મારી વાત સાંભળીને તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મારા પર હુમલો કર્યો હતો. ધારદાર વસ્તુ લાવી મારા માથામાં તથા જમણા પગ પર ઇજા પહોંચાડી હતી. મને જાનથી મારી નાંખવાની ધમકી આપી તે ત્યાંથી નીકળી ગયો હતો. મારા માથામાં સાત ટાંકા આવ્યા હતા અને પગ પર ફ્રેક્ચર થયું હતું.

