વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી સોનાની અઢી તોલાની ચેન આંચકીને બાઇક સવાર ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

દંતેશ્વર નેહલ પાર્ક સોસાયટીમાં રહેતા 72 વર્ષના ગજરાબેન ગણપતસિંહ સોલંકીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે સાડા પાંચ વાગ્યે હું મારા ઘરે બેઠી હતી. તે દરમિયાન મારા ઘરની સામે અવાજ સંભળાતા હું ઘરની બહાર જોવા ગઇ ત્યારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ મારા ઘરની સામે આવેલા મકાનનું તાળું તોડી રહ્યા હતા. જેથી, મેં તેઓને કહ્યું કે, તમે અહીંયા શું કરો છો? તમારે કોનું કામ છે? ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓ બાઇક લઇને જતા રહ્યા હતા. હું મારા ઘરના દરવાજા પાસે ઉભી હતી. થોડીવારમાં તેઓ પરત આવ્યા હતા અને ત્રણ પૈકીના એક આરોપીએ મારી પાસે આવીને મારા ગળામાંથી સોનાની અઢી તોલાની ચેન કિંમત રૂપિયા 1.20 લાખની તોડી લીધી હતી. મેં બૂમાબૂમ કરતા ત્રણેય આરોપીઓ બાઇક પર બેસીને દંતેશ્વર ઓપન જેલ તરફ ભાગી ગયા હતા. આ ત્રણ પૈકીના એક આરોપીએ કાળા કલરના કપડા પહેર્યા હતા. બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતા. તેમાંથી કોઇએ કંટ્રોલરૂમમાં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી.

