નવાપુરા વિસ્તારમાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે રસ્તાનું ધોવાણ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરે વહેલી તકે રસ્તાના પેચવર્કની કામગીરી સાથે વિસ્તારમાં સફાઈ નિયમિત થાય તેવી માંગ કરી હતી.

શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 હેઠળના વિસ્તારોમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે રસ્તાનું ધોવાણ થતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાડાઓને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને અકસ્માત સર્જાવાનો ભય પણ વધ્યો છે. તેવા આમ આદમી પક્ષના કાર્યકરે આક્ષેપ કરતાં જણાવ્યું કે, જો મહિલા કાઉન્સિલરના ઘર નજીક આવી પરિસ્થિતિ સર્જાઈ હોય, તો વિસ્તારના અન્ય ભાગોમાં નાગરિકોની હાલત કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમણે તંત્ર પર આંગળી ચીંધતા કહ્યું કે, રસ્તાની મરામત તથા પેચવર્કનું કામ તાત્કાલિક હાથ ધરવું જોઈએ. વધુમાં આક્ષેપ કર્યો કે, અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈનો અભાવ જોવા મળે છે. કચરો સમયસર ઉઠાવાતો નથી, નાગરિકોને રોજિંદા જીવનમાં અસુવિધાઓનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર માત્ર કાગળ પરની કામગીરી પૂરતી જ સીમિત રહી ગયું છે.
રહીશો વારંવાર ફરિયાદો કરે છે છતાં સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી. જેથી મ્યુનિસિપલ તંત્ર વહેલી તકે રસ્તા તથા સફાઈ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવે.

