પશ્ચિમ રેલવે દ્વારા તેનો ૭૫મો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ અવસરે વડોદરા વિભાગની મુખ્ય કચેરી સાથે મંડળના તમામ મુખ્ય રેલવે સ્ટેશનની ઈમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેની શરૂઆત બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (BB&CI) રેલવે કંપની દ્વારા ૧૮૫૫માં થઈ હતી. તેનું મુખ્ય મથક તે સમયે સુરતમાં હતું અને ગુજરાતના પશ્ચિમ કિનારે અંકલેશ્વરથી ઉત્રાણસુધી ૨૯ માઈલ બ્રોડ ગેજ ટ્રેકનું નિર્માણ તેની શરૂઆત ગણાય છે. તે જ વર્ષે ૨૧ નવેમ્બરે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સુરતથી વડોદરા અને અમદાવાદ વચ્ચે રેલ લાઇન બાંધવા માટે કરાર કરવામાં આવ્યો હતો. આગળ ૨૮ નવેમ્બર, ૧૮૬૪ના રોજ ઉત્રાણથી બોમ્બેની ગ્રાન્ટ રોડ સ્ટેશન સુધીની લાઇન સત્તાવાર રીતે શરૂ થતાં મુંબઈમાં પશ્ચિમ લાઇનની શરૂઆત થઈ હતી. હાલનું પશ્ચિમ રેલવે ૫ નવેમ્બર, ૧૯૫૧ના રોજ BB&CI રેલવે તથા સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સ્ટેટ રેલવેના વિલયથી રચાયું હતું.

