શહેરના ફતેગંજ વિસ્તારમાં ફાંસો ખાઇ લેનાર યુવતીના કિસ્સામાં પોલીસે તેની સાથે પ્રેમના નામે દગો દેનાર પ્રેમીની ધરપકડ કરી છે.

ફતેગંજ વિસ્તારમાં રહેતી યુવતીએ પાંચેક દિવસ પહેલાં ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ લેતાં મોત નીપજ્યું હતું.જે બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ઉપરોક્ત બનાવમાં યુવતીના કુટુંબીજને તેને મરવા માટે મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ કરતાં પોલીસે આણંદના નાપા ખાતે ટાંકીવાળા ફળિયામાં રહેતા કિશન જગદીશભાઇ ઠાકોર સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
યુવતીના પરિવારજને પોલીસને કહ્યું હતું કે,કિશનને યુવતી સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન વારંવાર ઝઘડા કરતો હતો.કિશન પોતે પરિણીત હોવા છતાં તેણે પ્રેમજાળમાં ફસાવી હતી અને મરવું હોય તો મરીજા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી તેમ કહેતાં યુવતીને લાગી આવ્યું હતું અને તેણે આપઘાત કર્યો હતો.આ બનાવની તપાસ એસીપી આરડી કવાને સોંપાઇ હતી.આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

