ડભોઇ તાલુકામાં બેફામ દોડતા અને રેતીથી ઓવરલોડ થયેલા વાહનોનો કહેર યથાવત રહ્યો છે, જેના કારણે ફરી એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ડભોઇ તાલુકાના ફરતીકુઈ ગામ નજીક વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે આશરે ૩:૦૦ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. ડભોઇ-વડોદરા રોડ પર આવેલા ફરતીકુઈ ગામ પાસે એક ટ્રક રોડની બાજુમાં ઊભી હતી. આ દરમિયાન, ડભોઈ તરફ જઈ રહેલી અન્ય એક ટ્રકનો ચાલક વાહન પરનો કાબૂ ગુમાવતા તેણે ઊભેલી ટ્રકની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટક્કર એટલી ભયંકર હતી કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ સંદીપભાઈ બાબુભાઈ રાપુરેલીયા (ઉંમર ૪૪, રહે. ગોંડલ, જિલ્લો રાજકોટ) તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં ડભોઇ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિક લોકોમાં છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકામાં રેતી ભરેલી ઓવરલોડ ગાડીઓ બેફામ અને પૂરપાટ ઝડપે દોડતી હોવાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ટ્રકો માત્ર ટ્રાફિકના નિયમોનું જ નહીં, પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત વજન મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે, જેના કારણે રસ્તાઓ ખરાબ થાય છે અને અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે.સ્થાનિકોની માગ છે કે ડભોઇ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ ઓવરલોડ અને બેફામ દોડતા વાહનો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાય નહીં.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

