જાન્યુઆરી મહિનામાં ધો.૯ થી ૧૨નીે પ્રીલિમ પરીક્ષા અને બીજી કસોટી વાસી ઉતરાયણના બીજા દિવસથી એટલે કે તા.૧૬ જાન્યુઆરીથી શરુ થનારી છે અને આ પ્રકારના ટાઈમ ટેબલ સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ કચવાટ છે.

આ સંજોગોમાં શહેરના આચાર્ય પરેશ શાહે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પત્ર લખીને તારીખો બદલવા માટે કહ્યું છે.ઉલ્લેખનીય છે કે, આ આચાર્ય બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટેની હેલ્પ લાઈનના સભ્ય પણ છે.
તેમનું કહેવું છે કે, ગુજરાતમાં ઉતરાયણ પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે અને સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયેલા છે.આ સંજોગોમાં ૧૬ જાન્યુઆરીથી પરીક્ષા શરુ થાય તો વિદ્યાર્થીઓને તહેવારના માહોલમાંથી બહાર આવીને પરીક્ષા આપવા માટેના ગંભીર માહોલ સાથે અનુકૂલન સાધવું મુશ્કેલ થશે.પહેલી કસોટીની શરુઆત પણ નવરાત્રી બાદ તરત જ દશેરાના દિવસથી થઈ હતી.જેના કારણે વિદ્યાર્થીઓ ઉજવણીમાંથી તણાવના માહોલમાં આવવું પડયું હતું.તેમને છેલ્લી ઘડીનું રિવિઝન કરવાની પણ તક મળી નહોતી અને પરિણામ પર તેની અસર જોવા મળી હતી.આ વખતે પરીક્ષા તા.૧૬ની જગ્યાએ બે- થી ત્ર દિવસ મોડી શરુ કરવામાં આવે તે હિતાવહ છે.જેથી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસ માટેની એકાગ્રતા પ્રાપ્ત કરી શકે.
