વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઉટ ગ્રોથ (ઓજી) વિસ્તારોમાં નવી સ્ટ્રીટલાઈટની કામગીરી કરવા અને શહેરના મુખ્યમાર્ગો પરની બંધ સ્ટ્રીટલાઈટો રિપેર કરીને ચાલુ કરવા મ્યુનિ. કમિશનરે કોર્પોરેશનમાં મળેલી રિવ્યૂ બેઠકમાં સૂચના આપી છે.

માર્ગો પરના ખાડા તાત્કાલિક પૂરીને રોડ રિસર્ફેસ કરવાની પણ સૂચના
હાલ નવરાત્રિનો તહેવાર હોવાથી મોડીરાત સુધી લોકોની અવરજવર ચાલુ રહે છે, જેના કારણે સુરક્ષાને ધ્યાને રાખીને સ્ટ્રીટલાઈટો ચાલુ રહે તે જરૃરી છે. આ ઉપરાંત વરસાદને કારણે શહેરના ચારેય ઝોનમાં નુકસાનગ્રસ્ત થયેલા જાહેર માર્ગો પરના ખાડા તાત્કાલિક પૂરવા, રોડ રિસર્ફેસ કરવા અને પેવર બ્લોક રિપેર કરવાની કામગીરી કરવાની પણ સૂચના અપાઈ છે.
વડોદરા કોર્પોરેશનની વેબસાઈટ પર તેમજ સીએમ ડેસબોર્ડ પર થતી ઓનલાઈન ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા, જાહેરમાર્ગો પર ઊગી નીકળેલી બિનજરૃરી વનસ્પતિઓ અને ઘાસને સાફ કરવા ઉપરાંત વૃક્ષોનું ટ્રિમિંગ કરવાની સૂચના પણ આપી હતી. તહેવારોને ધ્યાનમાં રાખીને બ્રિજની નીચે અને જાહેર માર્ગો પર સફાઈની કામગીરી વધુ સઘન કરવામાં આવશે.

