શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જવાથી ખાડાઓના કારણે વાહનચાલકો પરેશાન છે. આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

‘રસ્તા બનાવો – જીવ બચાવો’ અભિયાન હેઠળ કાર્યકર્તાઓએ શહેરના ચાર વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વોર્ડ નંબર 16માં ગાજરાવાડી પાણીની ટાંકી પાસે, વોર્ડ નંબર 19માં વડદલા ગામ ખાતે, વોર્ડ નંબર 18માં મકરપુરા રેલવે સ્ટેશન બ્રિજ નીચે તેમજ વોર્ડ નંબર 17માં સોમાતળાવ નજીક કાર્યકર્તાઓએ હેલ્મેટ પહેરી ઢોલ-નગારા વગાડ્યા અને માર્ગ ઉપર ભાજપના ઝંડા લગાવી તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમની માંગણી હતી કે, “ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવાની વાત યોગ્ય છે, પરંતુ જે જનતા કર ચૂકવે છે તેને પહેલા સલામત અને સારા રસ્તા આપવાં જરૂરી છે.” વાહનચાલકોનું કહેવું હતું કે, રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી રોજ અકસ્માતની શક્યતા વધે છે. તેઓએ કોર્પોરેશન પર ઉદાસીનતા દર્શાવવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે, અનેક રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર નજર પણ કરતા નથી.

