વડોદરા શહેરની પ્રજા ખૂબ જ ધર્મપ્રિય છે અને ગણપતિ, નવરાત્રીથી માડી તમામ ધાર્મિક તહેવારો ખૂબ જ ધાર્મિક લાગણી સાથે ઉજવતા હોય છે. મોટા મહોત્સવમાં વિવિધ મંડળો, સોસાયટીઓ ઉપરાંત અનેક ઘરમાં ધાર્મિક પૂજાનું આયોજન અવારનવાર થતું હોય છે. પૂજામાં વપરાયેલ પૂજાપો (પૂજાનો સામાન)ના નિકાલનો પ્રશ્ન હાલ શહૈરીજનોને ખૂબ મૂંઝવી રહ્યો છે. તેનું ધાર્મિકતાની દ્રષ્ટિએ નિકાલ થાય તે અત્યંત જરૂરી છે.

જે મામલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મ્યુન્સિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે, જેથી પૂજામાં વપરાયેલ ફૂલ, હાર સહિતનો પૂજાપો ડોર ટુ ડોર ગાડીના કચરામાં નાખવો શહેરીજનો માટે શક્ય નથી. શહેરીજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં લેતા તેનો યોગ્ય ધાર્મિકતાથી નિકાલ થાય તે ખૂબ જરૂરી છે. અન્ય બીજા શહેરોમાં કેટલીક જગ્યાએ શહેરમાંથી પસાર થતી નદીના બ્રિજ પર ખૂબ મોટા કળશ મૂકવામાં આવ્યા છે અને રોજેરોજ તેનું મોનિટરિંગ કરવા સાથે તે પૂજાપાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે. વળી વડોદરા કોર્પોરેશનમાં તો ફુલ તથા અન્ય કેટલાક પૂજાપામાંથી ખાતર પણ બનાવવામાં આવે છે. તેને ધ્યાનમાં લેતા આવનાર નવરાત્રીના તહેવાર પહેલા વડોદરા શહેરમાં આવેલ તમામ બ્રિજની ઉપર બંને બાજુએ મોટા કળશ મુકવામાં આવે. જેથી નાગરિકો પોતાના પૂજાપાને નદીમાં વિસર્જિત કરવાના બદલે આ કળશમાં મૂકે અને કળશમાંથી કોર્પોરેશન વપરાયેલ પૂજાપાનો સામાન મેળવી તેમાંથી ખાતર બનાવવા સાથે વપરાયેલ પૂજાપાનું યોગ્ય ધાર્મિક રીતે તેનો નિકાલ કરી શકે. આ કાર્ય નવરાત્ર પહેલા અમલમાં આવે તે ખૂબ જરૂરી છે.

