સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ફરી એક વખત નવા સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધુણ્યું હતું. અકોટાની આસપાસના વિસ્તારમાં વીજ બિલ બાબતે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. મહાત્મા ગાંધી હાઇટ્સના રહીશોએ રેશકોર્ષ વિદ્યુત ભુવન ખાતે પ્લે કાર્ડ લઈ બમણું બિલ આવતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અને જૂના મીટર પરત લગાવી આપવા માંગણી કરી હતી.

વડોદરા શહેરમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી વિવાદ વકરતો જ જાય છે. નવા સ્માર્ટ વીજ મીટરો લગાવ્યા બાદ લોકોના ઘરોમાં વીજ બીલ વધુ આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે જુદા જુદા વિસ્તારોમાંથી વીજ કચેરીઓ ખાતે લોકોએ મોરચા માંડીને ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારે આજે પણ આ વિરોધનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે, આજરોજ અકોટા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી હાઈટના રહીશો બમણું બિલ આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે રેસકોસ એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર પહોંચ્યા હતા. જ્યાં મીટર સ્માર્ટ હે યા ઘોટાલાના લખાણ સહિતના પ્લેકાર્ડ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગણી કરી હતી. મહાત્મા ગાંધી હાઈટ્સ ના રહીશોએ જણાવ્યું હતું કે, અમારો વિરોધ એક જ છે કે આજે વડોદરા સ્માર્ટ સિટીની વાતો ચાલી રહી છે એને બદલે હવે સ્માર્ટ મીટર લઈને આવ્યા છે.

આ સ્માર્ટ મીટર નહીં સ્માર્ટ ચીટર છે. અમારી એક જ માંગણી છે કે, અમારી ત્યાં જેટલા ના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. તેને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે અને જૂના મીટર પાછા આપવામાં આવે. કારણ કે, અમારું બે મહિનાનું બિલ જે 2000 રૂપિયા આવતું હતું. એ મહિનામાં બે હજાર રૂપિયાના બીલો આવતા થઈ ગયા છે. અમારી 155 મકાનની સોસાયટી છે. એમાં 50 થી 60 મીટરો લાગેલા છે. અમને એ વખતે વાત કરી હતી કે, વડોદરા શહેરમાં બધે સ્માર્ટ મીટર લાગી જશે. એ વાતને પણ આજે એક વર્ષ થઈ ગયું. અમારી એક જ માંગ છે કે, અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. અમારા જુના મીટર પાછા જોઈએ છે.

જુના મીટરમાં બે મહિનાનું જે બિલ આવતું હતું. એ મહિનામાં આવતું થઈ ગયું છે. અને ક્યારે પણ બિલ આવીને આપી જાય છે. અમે બીલો ભરપાઈ કર્યા હોય તો પણ હોય નવા બિલોમાં ઉમેરાઈને આવે છે. બિલોમાં અનહદ વધારો કરીને આપવામા આવે છે. વિરોધ થયા બાદ રિચાર્જ સિસ્ટમ બંધ કરી છે અને બિલ આવતા થઈ ગયા છે 50 જેટલા મકાનોમાં સ્માર્ટ વિજ મીટર લગાવેલા છે. અમારે આ સ્માર્ટ મીટર નથી જોઈતા અમને અમારા જુના મીટર પાછા આપો.

