વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 ગેટ બુધવારની મધ્યરાત્રીએ બંધ કરી દેવામાં આવ્યા છે, તે સમયે આજવા સરોવરનું લેવલ 213 ફૂટ હતું. છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ નથી અને બીજી કોઈ આગાહી પણ નથી. બીજી બાજુ વિશ્વામિત્રી નદીમાંથી પાણીનું લેવલ ઘટતું રહ્યું છે.

આજે સવારે આજવાનું લેવલ 212.95 ફૂટ હતું. આજવાથી રોજ નિમેટા ફિલ્ટર પ્લાન્ટ માટે 145 એમએલડી પાણી લેવામાં આવે છે. વિશ્વામિત્રીનું લેવલ સવારે 7.74 ફૂટ હતું. જો ભારે વરસાદની આગાહી થાય અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો ગેટ ખોલવાનો નિર્ણય થઈ શકે. બે દિવસ પહેલા મંગળવારની સાંજે આજવા સરોવરના 62 ગેટ ખોલવામાં આવ્યા હતા, તે સમયે આજવાનું લેવલ 213.33 ફૂટ હતું. 213 ફૂટ સુધી લેવલ લઈ જવા માટે પાણી છોડાયું હતું. આજવા સરોવરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ડ્રેજિંગની જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે પાણીનો સંગ્રહ કરવાની શક્તિ વધી છે.

