વડોદરા : વરસાદની આગાહી વચ્ચે રવિવારે શહેરમાં ધોધમાર વરસાદ પડતા સોમવારે નવરાત્રિના પહેલા દિવસે શહેરમાં ગરબા યોજાશે કે કેમ તે બાબતે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ ગયા હતા ત્યારે હવે સોમવારે શહેરમાં ગરબા યોજાશે કે કેમ તે બાબત મેઘરાજા નક્કી કરશે તેવો માહોલ સર્જાયો છે.

શહેરમાં નવરાત્રિ દરમિયાન ૨૬ મોટા ગરબાનું આયોજન થયું છે કે, જ્યાં એક સાથે હજારોની સંખ્યામાં ખલૈયાઓ ગરબે ઘૂમવાના છે. આજે ધોધમાર વરસાદ પડતા મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ જતાઆયોજકો દ્વારા બપોર બાદ ગ્રાઉન્ડ પરથી પાણીના નિકાલ માટેની કામગીરી શરુ કરાઇ હતી. મોટાભાગના આયોજકોએ જણાવ્યું હતું કે, બપોર બાદ વરસાદ આવ્યો નથી એટલે પાણીનો નિકાલ થઇ ગયો છે અને જો આજે વરસાદ નહી પડે તો ગરબા યોજવામાં કોઇ અડચણ આવશે નહી.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શહેરમાં આજે વિવિધ સ્થળે રાત્રિ બિફોર નવરાત્રિના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં અંબાલાલ પાર્ક ખાતે વીપો (વૈષ્ણવ ઇન્ટરફેઇથ પુષ્ટી ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ જતા ગરબા કેન્સલ કરવામાં આવ્યા હોવાનું આયોજક બંદીશ શાહે જણાવ્યું હતું. તેમણે ખેલૈયાઓને રિફન્ડ પણ ચૂકવી દેવામાં આવશે તેમ કહ્યું હતું.
જ્યારે મ્યુ. કોર્પોરેશન દ્વારા આજે અકોટા ગ્રાઉન્ડ પર જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન પણ રદ કરવામાં આવ્યું હતું. આજ રીતે અન્ય નાના ગરબાના આયોજનો પણ વરસાદના કારણે રદ કરાયા હતા.વીએનએફના આયોજક મયંક પટેલે જણાવ્યું હતું કે, નવલખી ગ્રાઉન્ડ પર હાલ સ્હેજ પણ પાણી નથી એટલે ગરબા યોજવામાં કોઇ મુશ્કેલી નહી પડે તો યુનાઇટેડ વેના ટ્રસ્ટી મીનેશ પટેલે પણ જણાવ્યું હતું કે, પાણી સૂકાઇ ગયા છે અને આજે જો વરસાદ નહી પડે તો ગરબા યોજવામાં કોઇ તકલીફ નહી પડે.
વિધર્મીઓના પ્રવેશ સામે વીએચપી અને બજરંગ દળનો વિરોધ
માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિમાં વિવિધ સ્થળે ગરબાના આયોજન થાય છે અને તેમાં વિધર્મીઓ પણ ગરબે રમવા માટે આવે છે અને તેઓ લવ જેહાદને અંજામ આપતા હોઇ ગરબા ગ્રાઉન્ડ પર વિધર્મીઓના પ્રવેશ સામે વીએચપી અને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ પર્વમાં નવ દિવસ આરાધના, અનુષ્ઠાન,જપ,દીપ અને તપ કરવામાં આવે છે ત્યારે ગરબાની પવિત્રતા જળવાઇ રહે તે ખૂબ જ જરુરી છે અને આ પર્વને સર્વ ધર્મ સમભાવની દ્રષ્ટિથી ન જોવું જોઇએ.

