વડોદરા શહેરના ન્યુ સમારોડની નંદનવન સોસાયટીમાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. બંધ મકાનનો લાભ લઇને ઇસ્ત્રી ટાઇટ કપડાંમાં ચોરોએ ચોરી કરી છે.વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા ન્યુ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરી કોઇ સામાન્ય ગુનેગારોએ નહીં, પરંતુ જાણે કોઇ કોર્પોરેટ ઓફિસના કર્મચારીઓ હોય તેવા વેશમાં આવેલા જેન્ટલમેન તસ્કરોએ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઇ પટેલ પોતાના પરિવાર સાથે ઉદયપુર પ્રવાસે ગયા હતા. ઘર બંધ હોવાની જાણ તસ્કરોને પહેલેથી જ હોય તેમ જણાઇ રહ્યુ છે. તસ્કરોએ ચોરી કરવા માટે જે રીત અપનાવી તે જોઇને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર કોઇ રીઢા ગુનેગાર જેવા ગંદા કે ફાટેલા કપડામાં નહીં, પરંતુ એકદમ ઇસ્ત્રી ટાઇટ ફોર્મલ કપડાં પહેરીને આવ્યા હતા.

તસ્કરોએ પેન્ટ-શર્ટ અને ખભા પર ઓફિસ બેગ લટકાવી હતી, જેથી સોસાયટીમાં કોઈને પણ તેમના પર શંકા ન જાય. જોનારને એમ જ લાગે કે તેઓ કોઈ કંપનીમાં નોકરી કરે છે અથવા કોઈ કામ અર્થે આવ્યા છે. આ પ્રોફેશનલ દેખાતા ચોરોએ બંધ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને શાંતિથી આખી ચોરીને અંજામ આપ્યો હતો.
ઉદ્યોગપતિના ઘરમાંથી તસ્કરોએ સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમ મળીને અંદાજે ૧૮ લાખ રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કર્યો છે. જ્યારે નરેશભાઈ પરિવાર સાથે પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. હાલમાં વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ હાઈ-પ્રોફાઈલ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે હવે ગુનેગારો પણ પોતાની ઓળખ છુપાવવા માટે હાઈ-ટેક અને મોર્ડન રીતો અપનાવી રહ્યા છે.
