એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના બીઈના વિદ્યાર્થીએ એઆઈની મદદથી પર્સનલ ટયુટરની ગરજ સારે તેવું એક પોર્ટલ બનાવ્યું છે.જેને મેરી શિક્ષા નામ આપ્યું છે.આ પોર્ટલની સંભવિત ઉપયોગીતાથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ સેલે તેને વધારે સારી રીતે ડેવલપ કરવા માટે બે લાખ રુપિયાની સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.

પોર્ટલ બનાવનાર પાર્થ ગોપાણીનું કહેવું છે કે, ઘણા વિદ્યાર્થીઓ પર્સનલ ટયુશન રાખતા હોય છે અને મેં બનાવેલું પોર્ટલ પર્સનલ ટયુશન કરાવનાર શિક્ષક જેવી જ મદદ વિદ્યાર્થીઓને કરી શકે છે અને તે પણ ટયુશન ફી આપ્યા વગર.આ પોર્ટલનો ઉપયોગ ગમે તે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકે છે.પોર્ટલ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ બનાવી આપવાથી માંડી કેરિયર કાઉન્સિલિંગ પણ કરી શકે છે અને વિદ્યાર્થીઓને નોકરી માટેના ઈન્ટરવ્યૂની તૈયારી પણ કરાવી શકે છે. વિદ્યાર્થીને કોઈ પણ વિષયના કોઈ પણ ચેપ્ટરમાં મૂંઝવણ હોય તો તેનો ઉકેલ આ પોર્ટલ એઆઈની મદદથી લાવી શકે છે.કોઈ પણ જાણકારી વિદ્યાર્થી સમક્ષ હાજર ઓડિયો- વિડિયો કે લખાણ સ્વરુપે હાજર પણ કરી શકે છે.
પોર્ટલની વિશેષતાઓ
–કેરિયર કાઉન્સિલિંગ કરી શકે છે નોકરી શોધવા માટે મદદ કરે છે અને નોકરી માટેના ઈન્ટરવ્યૂની તૈયારી કરાવી શકે છે
–ઈંગ્લિશ લેન્ગવેજ ટેસ્ટ માટે પણ સહાય પૂરી પાડે છે
–લેસન પ્લાનિંગ તથા લેબોરેટરી એક્સપરિમેન્ટ ગાઈડ પૂરી પાડે છે
–વિદ્યાર્થીના ફીડબેકના આધારે તે જે વિષયમાં નબળો હોય તેની કે જે ચેપ્ટર આવડતા ના હોય તેની તૈયારી કરાવી શકે છે–દરેક વિષયના અને દરેક ચેપ્ટરના એમસીક્યૂ ક્વેશ્ચન આપોઆપ જનરેટ કરે છે.જેનાથી વિદ્યાર્થીને પરીક્ષાની સારી પ્રેક્ટિસ મળે છે.
–વિદ્યાર્થીની સાથે સાથે જો કોઈ ટયુટર હોય તો તેને સ્ટડી મટિરિયલ મેળવવામાં, સમરી નોટસ તૈયાર કરવામાં અને વિદ્યાર્થીઓ માટે પેપર સેટ કરવામાં મદદ કરે છે.
–શિક્ષકો માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી આપે છે.
–લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકેનો રોલ પણ અદા કરી શકે છે

