એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજના રિસ્ટોરેશનનું કામ પુરુ થવામાં વધુ એક વખત વિલંબ થયો છે.અગાઉ ઓકટોબર મહિનામાં પ્રોજેકટ પૂરો થવાનો હતો અને ગુંબજનું લોકાર્પણ થવાનું હતું પણ હવે ડિસેમ્બરના અંત સુધીમાં જ આ કામગીરી પૂરી થશે.

લગભગ ૩.૫૦ કરોડ રુપિયાના ખર્ચે ગુંબજના રિસ્ટોરેશનનો પ્રોજેકટ છેલ્લા પાંચ વર્ષથી એક યા બીજા કારણસર વિલંબમાં પડી રહ્યો છે.બે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા બાદ આ કામગીરી સવાણી હેરિટેજ નામની કંપનીને સોંપવામાં આવી છે.
સત્તાધીશોએ અગાઉ જાહેરાત કરી હતી કે, ગુંબજ અને ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના રિસ્ટોરેશનનું કામ સપ્ટેમ્બરમાં પુરુ થઈ જશે અને ઓકટોબરમાં તેનું લોકાર્પણ કરાશે.હવે સત્તાધીશોનું કહેવું છે કે,મુખ્ય ગુંબજ અને તેની આસપાસના નાના ગુંબજપ પૈકી એક ગુંબજ પર કલર અને ભવિષ્યમાં કલર ઉતરે નહીં તે પ્રકારનું વિશેષ કેમિકલ લગાવવાની કામગીરી જ બાકી છે અને વરસાદની સિઝન પૂરી થાય તેની રાહ જોવાઈ રહી છે.ચાલુ વરસાદમાં કલર લગાવવાના કારણે તે ધોવાઈ જવાની શક્યતા છે.હવે ડિસેમ્બરના અંત સુધીમાં આ કામગીરી પૂરી થઈ જશે અને નવા વર્ષમાં ગુંબજનું લોકાર્પણ થશે.

