એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો માટે વિવિધ ફેકલ્ટીઓમાં ડિપાર્ટમેન્ટ હેડની ખાલી જગ્યાઓ ચિંતાનો વિષય બની છે.એક જાણકારી પ્રમાણે યુનિવર્સિટીના ૯૮ વિભાગોમાંથી ૧૦ જેટલા જ વિભાગોમાં નિયમિત હેડ છે.

યુનિવર્સિટી સૂત્રોના કહેવા પ્રમાણે એક તરફ દર વર્ષે ૨૫ થી ૩૦ વરિષ્ઠ અધ્યાપકો નિવૃત્ત થઈ રહ્યા છે.જેમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ કોઈ પણ વિભાગના હેડ તરીકે સામાન્ય રીતે પ્રોફેસરનો હોદ્દો ધરાવતા અધ્યાપકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.આમ પ્રોફેસરના અભાવે ઘણા વિભાગોનો ચાર્જ ડીન પાસે છે અથવા તો અન્ય અધ્યાપકોને કાર્યકારી ધોરણે ચાર્જ આપવામાં આવ્યો છે.
એક ચર્ચા એવી પણ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં જ્યારે જ્યારે વિભાગોમાં હેડની જગ્યા ખાલી પડી હતી ત્યારે નિયમિત હેડ તરીકે કામ કરી શકે તેવા અધ્યાપકો ઉપલબ્ધ હોવા છતા ઈન્ચાર્જ હેડ જ મૂકવામાં આવતા હતા અને તેના કારણે હવે ૯૮ વિભાગો પૈકી ટેકનોલોજી, ફાઈન આર્ટસ અને આર્ટસ ફેકલ્ટીના ૧૦ જેટલા વિભાગોને બાદ કરતા અન્ય તમામ વિભાગોમાં નિયમિત હેડ નથી.બે મહિનામાં મોટાભાગના વિભાગોમાં કાયમી હેડની નિમણૂકની યોજના
સત્તાધીશો માટે પણ ખાલી જગ્યાઓ ચિંતાનો વિષય બની છે.આગામી બે મહિનામાં મોટાભાગના વિભાગોમાં નિયમિત હેડની નિમણૂક કરવાની અને એપ્રિલ મહિના સુધીમાં તમામ વિભાગોમાં નિયમિત હેડની વરણી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેના કારણે હેડ બનવા માગતા વરિષ્ઠ અધ્યાપકોએ વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર સમક્ષ લોબિંગ પણ શરુ કરી દીધું છે.
