રવિવારે અને સોમવારે એમ બે દિવસ પડેલા કમોસમી વરસાદે મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમોને પણ દોડતી કરી દીધી હતી.તેમાં પણ સોમવારે રાત્રે પડેલા મૂશળધાર વરસાદથી શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે વડોદરા શહેરમાં વીજ કંપનીની હેલ્પ લાઈન પર આખી રાત વીજ પુરવઠો ખોરવાયો હોવાના ફોન કોલ્સનો મારો ચાલ્યો હતો.કુલ ૧૨૦૦ જેટલી ફરિયાદો વીજ કંપનીને મળી હતી.ભારે વરસાદના કારણે ગોરવા, ઈન્દ્રપુરી, ન્યૂ વીઆઈપી રોડ, કારેલીબાગ, વાસણા જેવા વિસ્તારોમાં ૧૬ જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ કેબલના કેબલ બોક્સમાં પાણી ભરાતા કેબલ ફોલ્ટ થયા હતા અને તેના કારણે ૨૦૦૦૦ જેટલા જોડાણોને અસર થઈ હતી.જોકે વીજ કંપનીની ટીમોએ તાત્કાલિક ચેન્જ ઓવર કરીને વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. બીજી તરફ આ કેબલ ફોલ્ટ રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત ગોરવા અને સરદાર એસ્ટેટ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં બે ટ્રાન્સફોર્મર બગડી જતા સેંકડો ઘરોમાં અંધારપટ સર્જાયો હતો.વીજ કંપનીની સેંકડો ટીમોને સોમવારે રાત્રે મધરાત સુધી પડેલા મૂશળધાર વરસાદ બાદ આખી રાત કામગીરી કરવાનો વારો આવ્યો હતો.

