વડોદરા,વારસિયા, તરસાલી અને ખોડિયાર નગર વિસ્તારમાંથી પોલીસે દારૃની ૧,૩૬૦ બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતા બૂટલેગર જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઇ વસાવાએ દારૃનો જથ્થો ઉતાર્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા બિયરના ૭૬૮ ટીન કિંમત રૃપિયા ૧.૯૨ લાખ તથા દારૃની ૫૨૮ બોટલ કિંમત રૃપિયા ૧.૮૦ લાખની કબજે કરી છે. જ્યારે જગદીશને વોન્ટેડ જાહેર કર્યો છે.
તરસાલી સ્મશાન પાસે મોપેડમાં દારૃની બોટલો મૂકીને વેચાણ કરતા આરોપી મિતેશકુમાર અશ્વિનભાઇ ઠાકરડા (રહે. ઠાકોર ફળિયું, અલીન્દ્રા ગામ,તા.સાવલી) ને ઝડપી પાડી દારૃની ૬૦ બોટલ કિંમત રૃપિયા ૨૦ હજારની કબજે કરી છે. વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, માનવ મનોહરલાલ નાથાણી (રહે. શીતળામાતાનો મહોલ્લો, વારસિયા) વિદેશી દારૃનો જથ્થો લાવી કિશનવાડી ખાતે આઇ શ્રી ખોડલ પ્રોવિઝન સ્ટોરમાં રાખીને વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા માનવ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી બિયરના ૪ ટીન કબજે કર્યા છે.
